દુનેઠાના જગન્નાથ મંદિરમાં રક્ષાબંધન પર્વ ઉજવાયો
- byDamanganga Times
- 31 August, 2026
દમણ, તા.૩૦ ઃ દુનેઠા સ્થિત જગન્નાથ મંદિર અનંતમ ખાતે ભગવાન શ્રી જગન્નાથને સમર્પિત શ્રાવણ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શ્રી બલભદ્રજીનો જન્મોત્સવ, રક્ષાબંધન તથા શ્રાવણ પૂર્ણિમાનો પર્વ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. ભગવાન શ્રી બલભદ્રજીના જન્મોત્સવની ખુશીમાં ભક્તોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓ તથા પુરુષ સહયોગીઓ દ્વારા સુંદર ભજનની રજૂઆત કરવામાં આવી હતી. સાંજે વિશેષ આરતી, ચંદ્ર પૂજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્ણિમાની રાત્રે ચંદ્રનો લાલ, નારંગી અને પીળો આભાસ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ અવસરને આધ્યાત્મિક ચિંતન, આંતરિક જાગૃતિ અને સકારાત્મક ઊર્જાના અનુભવ સાથે જોડવામાં આવ્યો હતો. શ્રી જગન્નાથ મંદિર સેવા સંસ્થાન, દુનેઠા-દમણના અધ્યક્ષા સુશ્રી અંજલિ નંદા બહેને જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભગવાનના ચિંતન દ્વારા ચેતનાનું જાગરણ, આધ્યાત્મિકતાનો વિસ્તાર તથા માનસિક અને આધ્યાત્મિક જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. ભગવાન શ્રી બલભદ્રજીના જન્મોત્સવ નિમિત્તે ભક્તો સાથે ખુશીઓ વહેંચવાના આ આયોજનને સૌઍ આનંદ અને ભક્તિભાવપૂર્વક માણ્યું હતું.
