સાપુતારા-માલેગામ માર્ગ પર ઍસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૩૦ ઃ ડાંગ જિલ્લાના સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીકના ઉતરાણવાળા વળાંકમાં આજે ગુજરાત ઍસટી નિગમની નાસિક-સુરત બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી.
પ્રા વિગતો અનુસાર, મહારાષ્ટ્રના નાસિકથી સુરત તરફ જઈ રહેલી ગુજરાત ઍસટી નિગમની નાસિક-સુરત બસ સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહી હતી.તે દરમિયાન માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીકના ઉતરાણવાળા યુટર્ન વળાંકમાં પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રકે ઍસટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રકની બ્રેક ફેઇલ થઈ જતાં ચાલકે ટ્રક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બેકાબૂ બનેલો ટ્રક બસ સાથે અથડાયો હતો. ટક્કરના પગલે ઍસટી બસ માર્ગની સાઈડમાં ઉતરી જતાં બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતને પગલે બંને વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
