વાપી જીઆઈડીસી પોલીસે આંતરરાજ્ય ચોરી-સ્નેચિંગ કરતા ગેîગના ૪ ઝડપ્યા
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૩૦ ઃ વલસાડ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા અને બનેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ વાપી ડિવિઝનમાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે વાપી જીઆઈડીસી પોલીસને મોટી સફળતા મળી છે.
વાપી જીઆઈડીસી, વાપી ટાઉન, દમણ, સેલવાસ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બાઈક પર આવી મોબાઈલ સ્નેચિંગ, ચેઈન સ્નેચિંગ અને લૂંટની ઘટનાઓને અંજામ આપતી ગેંગ સક્રિય થઈ હતી. ગત તા.૧૦/૦૮/૨૦૨૫ ના રોજ વાપી જીઆઈડીસી વિસ્તારમાં ઍક વ્યક્તિ પાસેથી ૧.૪૦ લાખનો આઈફોન ઝૂંટવી જવાની ઘટના બાદ પોલીસે ગંભીરતા દાખવી હતી.
વાપી ડીવાયઍસપી બી.ઍન. દવેના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પીઆઈ ઍસ.પી. ગોહિલની ટીમે ૨૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્નામન ઈન્ટેલીજન્સના આધારે વોચ ગોઠવી હતી. પો.કો. રાકેશભાઈ ગોપાલભાઈ અને કપીલદેવ ભૂપેન્દ્રભાઈને મળેલી ચોક્કસ બાતમી આધારે પોલીસે ૪ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અંસારી (રહે. મોરા, વાપી), આનંદ ઉર્ફે ગુણા પટેલ (રહે. લવાછા), વિશાલ ઉર્ફે કાલુ સહાની (રહે. લવાછા) અને કરણ પરિહાર (રહે. કરમખલ) નો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન આ ગેંગે વાપી જીઆઈડીસીના ૨, વાપી ટાઉન, નાનાપોંઢા, દમણ, સેલવાસ સહિત કુલ ૧૪ જેટલા ગુનાઓની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી ૧૨ નંગ મોબાઈલ ફોન કિં.રૂ.૩.૬૫ લાખ, ઍક પલ્સર બાઈક કિં.રૂ.૧.૧૦ લાખ અને ઍક ઍક્સેસ મોપેડ કિં.રૂ.૫૦ હજાર મળી કુલ રૂ.૫.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ તપાસ ચાલુ છે.
