Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

પારડીમાં ૬ ઈસમોનો પોલીસકર્મી પર હુમલો ઃ હાથ ભાંગી નાંખ્યો

પારડીમાં ૬ ઈસમોનો પોલીસકર્મી પર હુમલો ઃ હાથ ભાંગી નાંખ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા.૩૦ ઃ પારડી પોલીસ સ્ટેશનમાં છ જેટલા ઈસમોઍ હંગામો કરી પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી મારામારીમાં હાથ ભાંગી નાંખ્યો હતો. 

તા.૨૯ ઓગસ્ટની રાત્રે કલસર બે માઇલ ખાતે આવેલી મુન વિલા હોટલમાં રૂમ ભાડે લેવા બાબતે ઇરફાન ઇશાક પઠાણ તથા તેની સાથે આવેલા ત્રણ પુરુષો અને ત્રણ મહિલાઓનો હોટલના કર્મચારીઓ સાથે વિવાદ થયો હતો. હોટલના કર્મચારીઓઍ આ તમામને પારડી પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતાં. પોલીસે ઇરફાન પઠાણને સમગ્ર બનાવ અંગે પૂછપરછ કરતાં તેણે હોટલમાં રૂમ લેવા માટે આઇડી માંગવામાં આવતા આધારકાર્ડ આપ્યું હોવાનું અને ત્યારબાદ હોટલ કર્મચારીઍ મહિલાઓ-પુરુષોના જૂથને રૂમ આપવાનો ઇનકાર કરતાં બોલાચાલી થઈ હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે વાતચીત ચાલતી હતી ત્યારે ઇરફાન સાથે આવેલા ઍક શખ્સ નશાની હાલતમાં હોવાનું જણાતા પોલીસે તેની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી હતી. આ સમયે સાથે આવેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતાં. પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ માધુભા દ્વારા સદર શખ્સને તપાસવાનો પ્રયાસ કરવામાં આવતા ઇરફાન તથા તેની સાથેના અન્ય લોકો અને બે મહિલાઓઍ ઉશ્કેરાઈ જઈ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી શરૂ કરી જમણો હાથ પોલીસ સ્ટેશનના લોકઅપના સળિયા સાથે અથડાવી દેતા કોન્સ્ટેબલને તાત્કાલિક પારડીની કુરેશી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતાં. તબીબે તેના જમણા હાથમાં ફ્રેક્ચર અને ગંભીર ઇજા હોવાનું સામે આવ્યું હતું. પારડી પોલીસ ફરિયાદમાં ઇરફાન ઇશાક પઠાણ, વૈભવ પ્રદીપ ભોસલે, હિરન્મય સુભાષિષ સોનગુા, દિલપ્રિતસિંઘ જગદેવસિંઘ વિર્ક, ુપ્રેરણા સુરજ અધિકારી અને રીચા સુનિતા ખાટુ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓઍ ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસ સાથે બોલાચાલી કરી, પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી તથા સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી પોલીસકર્મીને ગંભીર ઇજા પહોંચાડ્યાના આક્ષેપસર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૨૧(૨), ૨૨૧ તથા ૧૮૯(૨)(૩) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પારડી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.