રક્ષાબંધનના પર્વે વાપી ઍસટી ડેપોને બમ્પર આવક થઈ
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને વલસાડ ઍસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વિવિધ ડેપોમાં ઍક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. વિભાગીય નિયામક દ્વારા નવસારી, વલસાડ, બીલીમોરા અને વાપી ડેપોને રૂ. ૧૫ લાખની આવકનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેમાં વાપી ઍસટી ડેપોઍ રૂ. ૧૫ લાખનો ટાર્ગેટ પૂર્ણ કરી વલસાડ વિભાગમાં આવકમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
વાપી ડેપો દ્વારા રક્ષાબંધન દરમિયાન દરરોજ સુરત માટે ૧૦, દાહોદ માટે ૩, અમદાવાદ માટે ૨ અને આહવા માટે ૧ ઍક્સ્ટ્રા બસ ઉપરાંત વાપી - દમણ રૂટ પર અંદાજે ૬૪ જેટલી વધારાની ટ્રિપો દોડાવવામાં આવી હતી. મુસાફરોને સમયસર તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે ડેપોના અધિકારીઓ, ડ્રાઇવરો અને કંડક્ટરોઍ ભારે મહેનત કરી હતી.
ધરમપુર અને આહવા ડેપોને રૂ. ૧૦ લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેમાં ધરમપુર ડેપો ટાર્ગેટની નજીક પહોંચ્યો હતો. સમગ્ર વલસાડ વિભાગમાં વાપી ડેપો આવકમાં પ્રથમ ક્રમે રહ્ના છે, જ્યારે ગુજરાત ઍસટી નિગમમાં વાપી ડેપો આવકની દૃષ્ટિઍ ચોથા ક્રમે રહ્ના હોવાનું જણાવાયું છે. પ્રથમ ક્રમે અમદાવાદનો બારેજા ડેપો રહ્ના હતો.
વિભાગીય પરિવહન અધિકારી સ્નેહલ પટેલ દ્વારા તમામ ડેપોનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું અને રક્ષાબંધન પર્વ દરમિયાન વલસાડ વિભાગે ઍક દિવસમાં આશરે રૂ.૭૦ લાખની આવક મેળવી હતી. વાપી ડેપો મેનેજર જયદીપ માંહલા, અરુણભાઈ પટેલ અને આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમવર્કથી કામગીરી કરવામાં આવી હતી. મુસાફરોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા બદલ વિભાગીય નિયામક દ્વારા વાપી ડેપોના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વધુ આવક લાવનાર ડ્રાઇવર-કંડક્ટરોનું સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
