Damanganga Times.

Damanganga Times.

August 28, 2026

નારગોલમાં નશાબંધી હળવી કરવા માંગ ઉઠી

નારગોલમાં નશાબંધી હળવી કરવા માંગ ઉઠી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૭ ઃ ઉમરગામ તાલુકાના પ્રવાસન ક્ષેત્રે મહત્વ ધરાવતા નારગોલ ગામમાં પ્રાયોગિક ધોરણે નશાબંધી હળવી કરવાની માંગ ઉઠી છે. આ અંગે નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટી યતીન ભંડારી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી નારગોલની વિશિષ્ટ ભૌગોલિક અને પ્રવાસન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય નીતિગત નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ નારગોલમાં આશરે ૫ કિલોમીટર લાંબો સુંદર દરિયાકિનારો આવેલો છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવતા નારગોલની મુલાકાતે વર્ષ દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તેમજ વિદેશી પ્રવાસીઓ પણ અહીં આવે છે. નારગોલ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની સરહદ નજીક હોવાથી તેની ભૌગોલિક સ્થિતિ પણ વિશિષ્ટ છે. ગ્રામ પંચાયતની રજૂઆતમાં જણાવાયું છે કે નશાબંધી અમલમાં આવતાં પહેલાં નારગોલના અનેક પરિવારો પરંપરાગત તાડી વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ખાસ કરીને પારસી અને ભંડારી સમાજના પરિવારો આ વ્યવસાય સાથે સીધી રીતે જોડાયેલા હતા. ખેતરો અને વાડીઓમાં રહેલા ખજૂરીના વૃક્ષોમાંથી મળતી તાડીનો પરંપરાગત રીતે ઉપયોગ થતો હતો અને અન્ય શહેરોમાં પણ તેની માંગ હતી.
નશાબંધી બાદ આ વ્યવસાય બંધ થતાં આ પરિવારોની આજીવિકા ઉપર અસર થઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ખજૂરીના વૃક્ષો અને પરંપરાગત કુશળતા હોવા છતાં તેનો કાયદેસર આર્થિક ઉપયોગ કરી શકાતો નથી અને અસરગ્રસ્ત પરિવારો માટે વૈકલ્પિક રોજગાર કે વિશેષ આર્થિક સહાય અંગે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી તેવી રજૂઆત કરવામાં આવી છે.  ગ્રામ પંચાયત દ્વારા નારગોલને પ્રવાસન સ્થળ તરીકે ધ્યાનમાં રાખીને પ્રાયોગિક ધોરણે અને નિયંત્રિત કાયદાકીય વ્યવસ્થા હેઠળ નશાબંધીમાં હળવાશ અંગે વિચારણા કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ લાયસન્સ, પરમિટ, સમય અને સ્થળ સહિતના કડક નિયમો સાથે વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો સ્થાનિક યુવાનોને હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને પ્રવાસન ક્ષેત્રમાં રોજગારીની તકો મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
રજૂઆતમાં ગેરકાયદેસર રીતે વેચાતા નકલી અથવા હલકી ગુણવત્તાવાળા દારૂના જોખમને ઘટાડવા માટે ગુણવત્તા નિયંત્રિત કાયદેસર વ્યવસ્થા અંગે પણ વિચારણા કરવા જણાવાયું છે. ઉપરાંત તાડી જેવા પરંપરાગત કુદરતી ઉત્પાદનને નિયમન હેઠળ કાયદેસર મંજૂરી આપવાની શક્યતા અંગે અભ્યાસ કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે અગાઉ પણ આ મુદ્દે જિલ્લા કલેક્ટર તથા સંબંધિત વિભાગોને રજૂઆતો કરી હોવાનું જણાવી હવે મુખ્યમંત્રીને નારગોલની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરી છે.