બલીઠા હાઈવે પર બુલડોઝર બે દિવસથી થંભી ગયું
- byDamanganga Times
- 28 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ વાપીના બલીઠા નેશનલ હાઈવે નં. ૪૮ પર ચાલી રહેલી દબાણ હટાવવાની કામગીરી છેલ્લા બે દિવસથી થંભી ગઈ હોવાનું સામે આવ્યું છે, જેને લઈ અનેક સવાલો ઉભા થયા છે.
મળતી માહિતી મુજબ ગત મંગળવારે વહીવટી તંત્ર દ્વારા બલીઠા હાઈવે પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તેજપાલ મોટર અને તેની બાજુમાં આવેલી મેંગો ઍનિમલ હોસ્પિટલની માર્જિનમાં આવતી કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તે અગાઉ સલવાવ બ્રિજથી બલીઠા સુધી તંત્ર દ્વારા ૩૫ થી વધુ દબાણો માર્જિન માંથી દૂર કરવામાં આવ્યા નો દાવો કરાઈ રહ્ના છે. જોકે, આ બે દબાણો દૂર કર્યા બાદ બુલડોઝરની કાર્યવાહી આગળ વધી નથી.
છેલ્લા બે દિવસથી હાઈવે પર દબાણ હટાવવાની કામગીરી બંધ હાલતમાં જોવા મળી રહી છે, જ્યારે હાઈવેની બંને તરફ અનેક ગેરકાયદેસર દબાણો યથાવત છે. જેને લઈ અહીંના લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્નાં છે. જોકે સ્થળ મુલાકાત દરમિયાન આગળ જતા બલીઠા હાઈવે બ્રિજ નીચે માર્જિનમાં આવતા કેટલાક કેબિન ધારકો જાતે પોતાના દબાણો હટાવતા જોવા મળ્યા હતા. પરંતુ તે બાદ ખાનગી મકાનની કમ્પાઉન્ડવોલ,દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો પણ કેટલાક ભાગ માર્જિનમાં આવે છે તેની સામે હાઈવે ઓથોરિટ ક્યારે જેસીબી ચલાવે તેની અહીંના અન્ય લોકો રાહ જોઈ રહ્નાં છે.
