ઉમરગામમાં સંસ્કૃત સાહની રેલી યોજાઈ
- byDamanganga Times
- 27 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૬ ઃ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને વિદ્યાર્થીઓમાં સંસ્કૃત વિષય પ્રત્યે રુચિ વધે તે હેતુથી ઉમરગામ તાલુકાના ઍમ.ઍમ. હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સાહની ઉજવણી અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી રેલીમાં સંસ્કૃત ભાષાને લોકભોગ્ય અને જનજન સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૦માં શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કૃત વિષયને લઈને લેવાયેલા વિવિધ નીતિગત નિર્ણયોની પૃષ્ઠભૂમિમાં સંસ્કૃત ભાષાના શિક્ષણ અને પ્રચાર-પ્રસારને વધુ પ્રોત્સાહન મળે તથા નવી પેઢીમાં સંસ્કૃત પ્રત્યે રસ જળવાઈ રહે તે માટે આવી શૈક્ષણિક અને જાગૃતિપ્રેરક પ્રવૃત્તિઓનું મહત્વ વધી જાય છે. સંસ્કૃત માત્ર શાસ્ત્રીય ભાષા ન રહે પરંતુ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે શિક્ષકો, શાળાઓ અને સમાજની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે ઉમરગામ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા, ઍમ.ઍમ. હાઈસ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ બારી સહિત હોદ્દેદારો, તાલુકાની વિવિધ શાળાઓના સંસ્કૃત શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા. ઍમ.ઍમ. હાઈસ્કૂલથી શરૂ થયેલી રેલી ઉમરગામ નગરપાલિકા કચેરી થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. વિદ્યાર્થીઓઍ સંસ્કૃત ભાષાના મહત્વ અંગે સૂત્રોચ્ચાર કરી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. રેલીમાં વિદ્યાર્થીઓઍ ઋષિ-મુનિઓની વેશભૂષા ધારણ કરી હોવાથી સમગ્ર રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. ધારાસભ્ય રમણભાઈ પાટકરે સંસ્કૃત વિષયના શિક્ષકો સાથે સંવાદ કરી સંસ્કૃત વિષયના પરિણામો તેમજ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યેની રુચિ અંગે માહિતી મેળવી હતી. તેમણે સંસ્કૃત ભાષાના જતન, સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે શિક્ષકો તથા શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા અંગે પણ ચર્ચા કરી હતી.સંસ્કૃત સાહ નિમિત્તે યોજાયેલી આ રેલી દ્વારા સંસ્કૃત ભાષા માત્ર ભૂતકાળની ધરોહર નહીં, પરંતુ નવી પેઢી સુધી પહોંચાડવાની જીવંત ભાષા છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
