ધરમપુરમાં ઈદે મીલાદ નિમિત્તે જુલુસ યોજાયું
- byDamanganga Times
- 27 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૬ ઃ ઈદે મીલાદ પર્વ નિમિત્તે ધરમપુરના દશેરા પાર્ટી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દશેરા પાર્ટીથી ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુસુફભાઈ મકસુદભાઈ શેખ ઉર્ફે પપ્પુભાઈ, કમર આલમ પઠાણ, અસલમ શેખ અને મુફીદ પઠાણની આગેવાની હેઠળ યોજાયેલા જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના યુવાનો જોડાયા હતા. જુલૂસ દશેરા પાર્ટીથી હાથીખાના, સમડીચોક સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ ફરી દશેરા પાર્ટી ખાતે પહોંચ્યો હતો.
જુલૂસ દરમિયાન ડીજેના તાલે યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈદે મીલાદ પર્વ નિમિત્તે મોડી સાંજે મુસ્લિમ બિરાદરો દ્વારા નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પીઆઈ નિખિલ ભોયા તથા પીઍસઆઈ વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
