Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

વલસાડમાં રૂ. ૭૫ લાખના પશુ સ્મશાનગૃહનો કોઈ જ ઉપયોગ નહીં

વલસાડમાં રૂ. ૭૫ લાખના પશુ સ્મશાનગૃહનો કોઈ જ ઉપયોગ નહીં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ  વલસાડ નગરપાલિકા દ્વારા પારડી સાંઢપોર ગામે ઔરંગા નદી કિનારે આવેલી ડમ્પિંગ સાઈટ પર રૂપિયા ૭૫ લાખના ખર્ચે પશુ સ્મશાનગૃહ મંજૂર કરી તેનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જોકે, ઍક વર્ષ વીતવા છતાં આ સ્મશાનગૃહ આજ દિન સુધી કાર્યરત કરવામાં આવ્યું નથી.
વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં મૃત્યુ પામતી ગાયો અને અન્ય પશુઓના સન્માનજનક અંતિમ સંસ્કાર માટે ગૌરક્ષકો દ્વારા લાંબા સમયથી પશુ સ્મશાનગૃહની માંગ કરવામાં આવી રહી હતી. આ માંગણીને ધ્યાને લઈને વલસાડ  નગરપાલિકા દ્વારા રૂપિયા ૭૫ લાખના ખર્ચે સ્મશાનગૃહનું નિર્માણ  પારડી સાંઢપોર ગામ, ઔરંગા નદી કિનારે ડમ્પિંગ સાઈટ પાસે બાંધકામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું હોવા છતાં લોકાર્પણ કે સંચાલન વિના ધૂળ ખાઈ રહ્નાં છે.
આ સુવિધા તૈયાર થઈ ગઈ હોવા અંગે સ્થાનિક ગૌરક્ષકો કે સામાજિક સંસ્થાઓને પાલિકા તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાણ પણ કરવામાં આવી નથી. લાખો રૂપિયાના જાહેર નાણાંનો ખર્ચ કર્યા બાદ પણ સુવિધા શરૂ ન થતાં સ્થાનિક જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગૌવંશના સન્માનજનક અંતિમ સંસ્કાર માટે આ સ્મશાનગૃહને વહેલી તકે કાર્યરત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.