વાપીમાં તહેવારો પૂર્વે મીઠાઈ-ફરસાણની દુકાનોમાં તપાસ જરૂરી
- byDamanganga Times
- 26 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૫ ઃ વાપી પંથક મા રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને વિવિધ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં મીઠાઈઓ તેમજ ફરસાણ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તહેવારો દરમિયાન મીઠાઈની માંગમાં નોંધપાત્ર વધારો થતો હોવાથી મોટી માત્રામાં મીઠાઈનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્નાં છે. જોકે, મીઠાઈ બનાવવામાં વપરાતો માવો, ઘી, દૂધ તથા અન્ય સામગ્રી ખરેખર ગુણવત્તાયુક્ત અને ખાવા લાયક છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્ના છે. તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત માવો કે હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ ન થાય તે માટે વલસાડ આરોગ્ય વિભાગ તથા ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવાની જરૂર છે.
ખાસ કરીને વાપી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ફ્રુડ ઍન્ડ ડ્રગ વિભાગ દ્વારા હોટલ રેસ્ટોરન્ટ મા કિચન તેમજ તેઓ વાપરતા ખાદ્ય સામગ્રી ની ચકાસણી કરવામાં આવી હતી જેમાં અનેક હોટલ અને રેસ્ટોરન્ટ ના પરવાના રદ કરાયા હતા સાથે અનેક હોટલ રેસ્ટોરન્ટને નોટિસો પણ આપવામાં આવી હતી તેવી જ રીતે હવે આગામી દિવસોમાં આવી રહેલા રક્ષાબંધન અને જન્માષ્ટમી ના તહેવારને ધ્યાને લઈ ફ્રુડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વાપી ટાઉનના મુખ્ય બજાર વિસ્તાર ઉપરાંત વાપી જીઆઇડીસી ના ગુંજન વિસ્તાર, ચલા, ચણોદ, છીરી, ડુંગરા, તેમજ ઈમરાન નગર વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવે તો મીઠાઈની ગુણવત્તા, માવાની ચકાસણી, ઉત્પાદનની સ્વચ્છતા અને સંગ્રહની યોગ્ય વ્યવસ્થા અંગેની વાસ્તવિક સ્થિતિ સામે આવી શકે છે.
તહેવારોના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો મીઠાઈ અને ફરસાણની ખરીદી કરતા હોવાથી તંત્ર દ્વારા તહેવાર પૂર્વે જ નમૂનાઓ લેવામાં આવે અને લેબોરેટરી તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કે નિયમોનો ભંગ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો તહેવારો દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવી શકાય. જોકે બહારગામ થી આવતો માવો ખૂબ જ ખરાબ હાલતમાં રેલ્વે સ્ટેશન અને ખાનગી બસ માંથી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ઉતારીને સીધો દુકાનદાર પોતાની દુકાનમાં કે કેટલીક મીઠાઈ બનાવવાની ત્રણથી ચાર જેટલી શાખા ધરાવનાર પોતાની કંપનીઓમાં લઈ જઈ ઉપયોગમાં લઈ રહ્ના છે જેને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કર્યા તો અનેક લોકોના આરોગ્ય સાથે થતાં ખિલવાડ બંધ થઈ શકે છે.
