વાપી પંથકમાં ઓનલાઈન રાખડી મોકલવાના ક્રેઝથી પોસ્ટ-કુરિયરને મોટો ફટકો
- byDamanganga Times
- 26 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્ના છે ત્યારે વાપીમાં રાખડી મોકલાવવાના પરંપરાગત માધ્યમ ઍવા પોસ્ટ વિભાગ અને કુરિયર સેવાઓના વ્યવસાય પર ઓનલાઇન રાખડી મોકલવાની નવી સિસ્ટમની અસર જોવા મળી રહી છે. અગાઉ દેશ-વિદેશમાં રહેતા ભાઈઓને બહેનો દ્વારા રાખડી મોકલવા માટે પોસ્ટ વિભાગ અથવા કુરિયરનો વ્યાપક ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે ઓનલાઇન રાખડી સર્વિસના કારણે કુરિયર વ્યવસાયમાં અંદાજે ૫૦ ટકાનો ઘટાડો થયો હોવાનું વાપીમાં જાણીતી કુરિયર ફ્રેન્ચાઇઝીના સંચાલકે જણાવ્યું છે. હાલમાં ઓનલાઇન રાખડી મોકલાવવાની પદ્ધતિમાં ગ્રાહક પોતાના શહેર કે ગ્રામ્ય વિસ્તારમાંથી ઓનલાઇન રાખડી સેવા આપતા સંચાલકનો સંપર્ક કરે છે. ત્યારબાદ જે શહેર અથવા વિસ્તારમાં રાખડી પહોંચાડવાની હોય ત્યાં આવેલી તેમની ફ્રેન્ચાઇઝી મારફતે ગ્રાહકે પસંદ કરેલી રાખડી રોકડેથી ખરીદવામાં આવે છે અને ત્યારબાદ તે રાખડી સીધી જ જે તે ભાઈ કે બહેનના સરનામે પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાના કારણે બહારથી રાખડી ખરીદીને પોસ્ટ અથવા કુરિયર મારફતે મોકલાવવાની જરૂરિયાત ઘટી રહી છે. પરિણામે રક્ષાબંધન નજીક હોવા છતાં પરંપરાગત પોસ્ટ અને કુરિયર સેવાઓમાં અગાઉની સરખામણીઍ મંદી જોવા મળી રહી છે. ખાસ કરીને દેશના અલગ-અલગ શહેરો ઉપરાંત વિદેશમાં રહેતા ભાઈ-બહેનો સુધી રાખડી પહોંચાડવા માટે ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ વધ્યો છે. ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે તહેવારોની ઉજવણીની પદ્ધતિમાં પણ બદલાવ આવી રહ્ના છે, જેના કારણે પરંપરાગત પોસ્ટ અને કુરિયર વ્યવસાય સામે નવી સ્પર્ધા પણ ઊભી થઈ છે. અને વાપી પંથકમાં તો ખાસ કરીને ઔદ્યોગિક વસાહત હોવાને લઈ સમગ્ર દેશમાંથી લોકો આવીને વસ્યા છે તેઓ પોતાના વતનમાં રાખડી મોકલાવવા માટે હવે ઓનલાઇન રાખડી નો સંપર્ક કરી રહ્ના હોવાનું જણાઈ રહ્નાં છે.
