વલસાડ જિલ્લામાં ફૂડ વિભાગની તવાઈ જારી
- byDamanganga Times
- 26 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તેમજ ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તે હેતુથી વલસાડ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં માનવ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગની ટીમે વાપી, સંજાણ, ઉમરગામ અને પારડી સહિતના વિસ્તારોમાં વિવિધ રેસ્ટોરન્ટ, હોટલ અને ખાદ્ય પદાર્થોની પેઢીઓની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કેટલીક પેઢીઓમાં નિયમોનું યોગ્ય પાલન જોવા મળ્યું હતું, જ્યારે કેટલીક જગ્યાઍ ક્ષતિઓ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંજાણના નામપાડા ખાતે આવેલી બોમ્બે રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન શિડ્યૂલ-૪ની જોગવાઈઓનું પાલન થતું હોવાનું જણાયું હતું, સાથે જ મેડિકલ રિપોર્ટ અને વોટર રિપોર્ટની અપૂર્તતા તેમજ પેસ્ટ કંટ્રોલ ન કરાવવાની બાબત સામે આવી હતી. ખુલ્લુ કિચન હોવાથી જીવજંતુઓનો પ્રવેશ અટકાવવા માટે જાળી પણ લગાવવામાં આવી નહોતી. જેથી આ અંગે પેઢીને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. સંજાણના ઉમરગામ રોડ પર સ્થિત બોમ્બે કેટરસ હેન્ડ રેસ્ટોરન્ટ પાસે જરૂરી લાઇસન્સ/નોંધણી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. સ્થળ પરથી ઍન્ફોર્સમેન્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને રોજકામ કરવામાં આવ્યું હતું. શિડ્યૂલ-૪ તેમજ સ્વચ્છતાના નિયમોનું પાલન પણ જોવા મળ્યું નહોતું. તપાસ બાદ પેઢીના સંચાલકે પોતાની પેઢી સ્વેચ્છાઍ બંધ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. લાઇસન્સ ન હોવાના કારણે કમ્પાઉન્ડિંગ ઓફેન્સની કાર્યવાહી કરી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે. ઉમરગામની ખાના ખજાના રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન શિડ્યૂલ-૪ અને સ્વચ્છતાનું પાલન થતું હોવાનું જણાયું હતું, પરંતુ મેડિકલ રિપોર્ટ અને વોટર રિપોર્ટની અપૂરતા જોવા મળતા ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે.
બીજી તરફ વાપીના ચલા રોડ પર બી.કે. ફૂડ (વોક ઓન ફાયર) અને વાપીના નૂતન નગર ખાતે હોટલ કેસરી, ઉમરગામ રોડ પર સંજાણ ખાતે સનસાઈન ફેમિલી રેસ્ટોરન્ટ તેમજ પારડીની હોટલ શ્રીનાથ ઍન્ડ ગેસ્ટ હાઉસ ખાતે તપાસ દરમિયાન શિડ્યૂલ-૪ તથા સ્વચ્છતાની જોગવાઈઓનું પાલન થતું હોવાનું જણાયું હતું.
ફૂડ વિભાગ દ્વારા સમવીર હોસ્પિટલ ઍલઍલપી અને હોટલ ઍપીકલ સહિત અન્ય પેઢીઓની પણ તપાસ કરવામાં આવી હતી. ફૂડ વિભાગના ડેઝિગ્નેટેટ ઓફિસર આશિષ વલવીઍ જણાવ્યું કે, માનવ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી પેઢીઓની તપાસની વેપારીઓમાં નિયમોના પાલન અંગે સતર્કતા વધશે તેમજ નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે તંત્રની કામગીરીને વધુ વેગ મળશે.
