સાપુતારામાં બોટિંગ સંચાલકોની બેદરકારી છતાંય તંત્ર મૌન
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૪ ઃ ગુજરાતના ઍકમાત્ર ગિરિમથક સાપુતારાના પ્રસિદ્ધ સર્પગંગા તળાવમાં ચાલતી નૌકા વિહાર (બોટિંગ) પ્રવૃત્તિ ફરી ઍકવાર મોટા વિવાદના ઘેરાવમાં આવી છે. બોટિંગ સંચાલકોની બેદરકારી અને ગેરરીતિ સામે આવવા છતાં તંત્ર દ્વારા સેવવામાં આવી રહેલું મૌન સ્થાનિકો અને પ્રવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યું છે. મળતી વિગતો અનુસાર, ગતરોજ ઍક સનદી અધિકારી પરિવાર સાથે સાપુતારા ખાતે નૌકાવિહાર માટે પહોંચ્યા હતા. સર્પગંગા તળાવ ખાતે જ્યારે બોટ સંચાલકોઍ તેમને સુરક્ષા માટે લાઈફ જેકેટ આપ્યા, ત્યારે તેમાંથી આવતી અસહ્ના દુર્ગંધને કારણે અધિકારીઍ સ્થળ પર જ સંચાલકોનો રીતસરનો ઉઘડો લીધો હતો. આ ઘટના બાદ પોતાની ભૂલ છુપાવવા માટે બોટ સંચાલકોઍ ધુમ્મસભર્યા વાતાવરણની આડમાં બોટની અંદર જ કેમિકલનો જથ્થો વાપરી લાઈફ જેકેટ ધોવાની કામગીરી હાથ ધરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.વધુમાં ગંભીર આક્ષેપ ઍવો છે કે, કેમિકલ અને પાણી ભેળવીને લાઈફ જેકેટ ધોયા બાદ તે ગંદુ અને કેમિકલયુક્ત પાણી સીધું જ સર્પગંગા તળાવમાં ઠાલવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સર્પગંગા તળાવ માત્ર પ્રવાસીઓ માટે નૌકા વિહારનું કેન્દ્ર નથી, પરંતુ સાપુતારાની હોટલો તથા સ્થાનિક કક્ષાઍ પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. આવી સ્થિતિમાં પીવાના પાણીના સ્ત્રોતમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવાની આ પ્રવૃત્તિથી પ્રવાસીઓ તથા સ્થાનિકોના આરોગ્ય અને પર્યાવરણ સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ હવે તંત્ર સમક્ષ અનેક સવાલો ઉઠી રહ્ના છે. તળાવમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવ્યું હોવાના આક્ષેપોમાં કેટલી સત્યતા છે? પાણીમાં કયા પ્રકારનું કેમિકલ વાપરવામાં આવ્યું હતુ? અને તેનાથી તળાવના પાણીની ગુણવત્તા પર શું અસર પડી છે? તે તમામ બાબતો અંગે તટસ્થ તપાસ થવી અત્યંત જરૂરી બની છે.સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ માંગ કરી રહ્ના છે કે નોટિફાઈડ તંત્ર દ્વારા ઘટનાસ્થળના સીસીટીવી (ઘ્ઘ્વ્સ્) ફૂટેજ મેળવીને સમગ્ર બાબતનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે. સાથે જ સર્પગંગા તળાવના પાણીના સેમ્પલ લઈને લેબોરેટરી ચકાસણી માટે મોકલવામાં આવે. જો તપાસ દરમિયાન બોટ સંચાલકોની બેદરકારી સામે આવે, તો તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે બાબતે પણ લોકોમાં આશંકા સેવાઈ રહી છે. પ્રવાસન સ્થળની ગરિમા, પ્રવાસીઓની સુરક્ષા અને કુદરતી પર્યાવરણની જાળવણી માટે તંત્ર આ મામલે તાત્કાલિક અને કડક પગલાં ભરે તે સમયની માંગ છે.
