Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

ધરમપુરની પ્રગતિશીલ મહિલાઓઍ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીની મુલાકાત લીધી

ધરમપુરની પ્રગતિશીલ મહિલાઓઍ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીની મુલાકાત લીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૪ ઃ ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્તારના હનમતમાળ, આંબોસી અને ભવઠાણ ગામોમાં ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત જન શિક્ષણ સંસ્થાન દ્વારા ૭૦ પ્રગતિશીલ મહિલાઓ સ્વરાજગારી મેળવે તે હેતુથી મશરૂમ ઉત્પાદન અને વર્મીકંપોસ્ટ અંગે તાલીમ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ જે અંતર્ગત પ્રાયોગિક તાલીમ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીની તાલીમાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમ્યાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામક ડૉ. રાજેન્દ્રસિંહ ઠાકોરે કેન્દ્રનો પરિચય કરાવતા તેની વિવિધ કામગીરી, ખેડૂતો માટેની સેવાઓ તેમજ કેન્દ્ર દ્વારા યોજાતી વિવિધ તાલીમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કેન્દ્રના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમિલાબેન આહિરે તાલીમાર્થી બહેનોને મશરૂમના વિવિધ પ્રકારો, તેની ઉત્પત્તિ, ઉપયોગિતા, ઉત્પાદન પદ્ધતિ, મહત્વ તેમજ મશરૂમ ઉત્પાદન થકી ઊભી થતી રોજગારીની તકો અંગે વિસ્તૃત સમજ આપી હતી.
મશરૂમનું ઓછા ખર્ચે ઉત્પાદન કરી ઘરઆંગણે આવક ઊભી કરી શકાય તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.  આ ઉપરાંત કેન્દ્રના ફાર્મ મેનેજર પરેશભાઈ પટેલે વર્મી કંપોસ્ટ ખાતર બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ સમજાવી હતી. તેમણે વર્મી કંપોસ્ટનું પ્રાકૃતિક ખેતીમાં મહત્વ, જમીનની ફળદ્રુપતા વધારવામાં તેની ભૂમિકા તેમજ તેના ઉત્પાદન થકી સ્વરોજગારની તકો અંગે તાલીમાર્થી બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. જનશિક્ષણ સંસ્થાન, અંભેટીના નિયામક રિનલભાઇ આહિરે ઉપસ્થિત મહિલા તાલીમાર્થીઓને વર્મીકંપોસ્ટ અને મશરૂમ ઉત્પાદન દ્વારા સ્વરોજગારી થકી આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીની મુલાકાતથી તાલીમાર્થી બહેનોને મશરૂમ ઉત્પાદન અને વર્મી કંપોસ્ટ અંગે પ્રત્યક્ષ અને વ્યવહારુ જ્ઞાન મળ્યું હતું. તાલીમના માધ્યમથી ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને કૃષિ આધારિત રોજગારની નવી તકો ઊભી કરવાના પ્રયાસને આ કાર્યક્રમ મહત્વપૂર્ણ બન્યો હતો.