આજથી વલસાડમાં સંસ્કૃત સાહની ઉજવણી
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ જિલ્લામાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, સંવર્ધન તથા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાનપરંપરા પ્રત્યે રસ અને ગૌરવની ભાવના વિકસે તે હેતુસર તા.૨૫/૦૮/૨૦૨૬ થી તા. ૩૧/૦૮/૨૦૨૬ દરમિયાન સંસ્કૃત સાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજે તા. ૨૫ ઓગસ્ટે સવારે ૯ કલાકે કલેકટર કચેરીથી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળશે.
સંસ્કૃત સાહ મહોત્સવના આ કાર્યક્રમો દ્વારા વલસાડ જિલ્લામાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને અભિરુચિ વધે, વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપરંપરા પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તથા સંસ્કૃતના પ્રચાર-પ્રસારને વેગ મળે તેવો મુખ્ય ઉદ્દેશ છે. જે અંતર્ગત તા.૨૫/૦૮/૨૦૨૬ના રોજ કલેક્ટર કચેરી, વલસાડ ખાતેથી સવારે ૯ કલાકે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળશે. જે કલેકટર કચેરીથી આઝાદ ચોક (ટાવર) થઈ મોંઘાભાઈ હોલથી ઍસટી ડેપો રોડ થઈ પરત કલકટર કચેરી ખાતે પહોંચશે, જ્યાં યાત્રાનું સમાપન થશે. આ યાત્રામાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ તથા પદાધિકારીઓ જોડાશે. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિની ગૌરવપૂર્ણ પરંપરાને જન-જન સુધી પહોંચાડવાના હેતુસર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૨૭/૦૮/૨૦૨૬ના રોજ સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી અંતર્ગત વલસાડના સેગવી ગામની સર્વોદય હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત ગોષ્ઠી યોજાશે. સંસ્કૃત ભાષાના દૈનિક વ્યવહારમાં ઉપયોગ તથા સંવાદક્ષમતાને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. ધો. ૧૦ અને ૧૨માં સંસ્કૃત વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરાશે. આ સન્માન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને અન્ય વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત વિષય પ્રત્યે પ્રેરિત થાય તેવો ઉદ્દેશ છે.
અંતે તા.૨૯/૦૮/૨૦૨૬ના રોજ સંસ્કૃત સાહિત્ય દિવસની ઉજવણી નિમિત્તે જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડ ખાતે સંસ્કૃત પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. પ્રદર્શનમાં સંસ્કૃત ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ તથા ભારતીય જ્ઞાનપરંપરાને ઉજાગર કરતી વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક કૃતિઓ રજૂ કરવામાં આવશે.
