Damanganga Times.

Damanganga Times.

August 25, 2026

અતુલ ગ્રા.પં.માં રૂ. ૧૧.૪૧ લાખની રિકવરી આદેશ છતાં કેમ અટકી?

અતુલ ગ્રા.પં.માં રૂ. ૧૧.૪૧ લાખની રિકવરી આદેશ છતાં કેમ અટકી?


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ તાલુકાના અતુલ ગ્રામ પંચાયતમાં તપાસ બાદ તાલુકા વિકાસ અધિકારી  દ્વારા કરવામાં આવેલા રૂપિયા  ૧૧,૪૧,૮૦૦ ની રિકવરીના હુકમનો લાંબા સમયથી અમલ ન થતાં  જિલ્લા કલેક્ટર ને  લેખિત રજૂઆતો છતાં સરકારી નાણાંની વસૂલાત ન થવા અંગે અરજદારે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા માંગ કરી છે.
 વલસાડના અતુલ ગામના કંચન નગરમાં રહેતા જેન્યુલ આર. પટેલે વલસાડ જિલ્લા કલેકટરને  લેખિતમાં રજૂઆત કરી કે  અતુલ ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ દર્શિલ દેસાઈને ચાર્જ સરપંચનો ચાર્જ આપવામાં આવ્યો હતો. સરપંચના ચાર્જ આપ્યા બાદ દર્શિલ દેસાઈઍ  કેટલાક તો વિકાસના કામોના નાણા ચુકવ્યા હતા. જેને લઇ સભ્યોઍ વલસાડ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી તો તેમણે ગ્રામ પંચાયતના કર્મચારીનો પગાર લાઈટ બિલ સહિતના બિલો ચુકવવાનો આદેશ કર્યો હતો જ્યારે તેમણે ચુકવેલા નાણા ગ્રામ પંચાયતમાં જમા લેવા માટે બબ્બે વાર તેઓને નોટિસ આપી હતી. તેમ છતાં ઇન્ચાર્જ સરપંચ દર્શિલ દેસાઈઍ ટીડીઓઍ રૂપિયા  ૧૧,૪૧,૮૦૦ ની વસૂલાત કરી પંચાયતના ખાતામાં જમા કરાવવા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, લાંબો સમય વીતી ગયા બાદ પણ આ હુકમ મુજબની રકમ વસૂલ કરવામાં આવી નથી કે પંચાયતના ચોપડે જમા થઈ નથી. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રિકવરીનો અમલ કરવા અરજી કરાઈ, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર સમક્ષ સમગ્ર મામલો મૂકવામાં આવ્યો. નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળી હુકમની અમલવારી માટે લેખિત માંગ કરવામાં આવી છે. અરજદારે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રિકવરીના હુકમનો સમયમર્યાદા નક્કી કરી તાત્કાલિક અમલ કરાવવો અને જવાબદાર વ્યક્તિ પાસેથી પૂરેપૂરી રકમ વસૂલી પંચાયતના ખાતામાં જમા કરી તેની સત્તાવાર પહોંચ અરજદારને પૂરી પાડવી, હુકમ છતાં વસૂલાતમાં વિલંબ કરનારા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે નિયમાનુસાર શિસ્તભંગનાં પગલાં ભરવા ની માંગણી કરી છે.