ડુંગરાના ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી ત્રીજીવાર કેબલ ચોરી!
- byDamanganga Times
- 25 August, 2026
દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપી મહાનગરપાલિકા સંચાલિત ડુંગરા દાદારીમોરા ખાતે આવેલા વોટર ફિલ્ટર પ્લાન્ટમાંથી વારંવાર કેબલ ચોરીની ઘટના સામે આવી છે. ચોરીને કારણે શહેરના પાણી પુરવઠાને સીધી અસર પહોંચી રહી છે. પ્રા માહિતી મુજબ, ડુંગરા દાદારીમોરા ફળિયામાં ફિલ્ટર પ્લાન્ટ ખાતે છેલ્લા કેટલાક સમયમાં ત્રણ વખત તસ્કરો ત્રાટક્યા છે. તસ્કરો પ્લાન્ટમાંથી મોટર અને પમ્પિંગ સિસ્ટમના અત્યંત મોંઘા કેબલ કાપીને લઈ ગયા છે. અત્યાર સુધીમાં કુલ ૮ લાખ રૂપિયાથી વધુની કિંમતના કેબલની ચોરી થઈ હોવાનો અંદાજ છે. કેબલ ચોરી જવાને કારણે ફિલ્ટર પ્લાન્ટના પમ્પ બંધ થઈ જાય છે અને વાપી ડુંગરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાય છે. ઍજન્સી દ્વારા નવો કેબલ નાંખી સપ્લાય પૂર્વવત કરવો પડે છે, જેમાં લાખો રૂપિયાનો વધારાનો ખર્ચ અને સમય બંને બગડે છે. આ અંગે જવાબદાર ઍજન્સી દ્વારા પોલીસમાં ફરિયાદ માટે અરજી પણ આપવામાં આવી છે. પરંતુ પોલીસે માત્ર અરજી લઈને સંતોષ માની લીધો છે, કોઈ નક્કર કાર્યવાહી કે રાત્રી પેટ્રોલિંગ વધારવામાં આવ્યું નથી. જેના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. તંત્ર દ્વારા પ્લાન્ટની સુરક્ષા વધારવામાં આવે અને પોલીસ ચોરીનો ભેદ ઉકેલે તેવી માંગ ઉઠી છે.
