ઔરંગા નદીનો જૂનો બ્રિજ બંધ થતાં મુશ્કેલી વધી
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ શહેરમાં કસ્ટમ ઓફિસ નજીક આવેલો નાનો ઔરંગા નદીનો જૂનો બ્રિજ જર્જરિત થઈ જતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરક્ષાના ભાગરૂપે વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ, તેની બાજુમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા નવા બ્રિજની કામગીરી જમીન સંપાદનના અભાવે અધવચ્ચે અટકી પડતાં કાંઠા વિસ્તારના ૧૫થી વધુ ગામોના હજારો નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.જર્જરિત બ્રિજના વિકલ્પ તરીકે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવા પુલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, કસ્ટમ ઓફિસ હસ્તકની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ ન થતાં નવા બ્રિજનું કામ અટકી પડ્યું છે. વહીવટી તંત્રની ધીમી કામગીરી અને સંકલનના અભાવે આ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. વલસાડ શહેર અને કાંઠા વિસ્તારના ૧૫થી વધુ ગામો વચ્ચેનો સીધો સંપર્ક તૂટ્યો છે. નોકરિયાતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ દર્દીઓને વલસાડ શહેરમાં પ્રવેશવા માટે લાંબો ચકરાવો કાપીને જવું પડે છે.
સમય અને ઇંધણનો બગાડ થવાની સાથે દરરોજ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્ના છે. જમીન સંપાદનની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી નવા બ્રિજનું બાંધકામ ઝડપથી પૂરું કરવામાં આવે અને પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી કાંઠા વિસ્તારના ગ્રામજનો તથા શહેરીજનો ની ઉગ્ર માંગ કરી રહ્ના છે.
