Damanganga Times.

Damanganga Times.

August 22, 2026

પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓને ઊંડી કરવા કલેકટરને રજુઆત

પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓને ઊંડી કરવા કલેકટરને રજુઆત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૧ ઃ નવસારી શહેર અને આસપાસના વિસ્તારોને દર ચોમાસે સર્જાતી વિનાશક પૂરની પરિસ્થિતિમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે ગુરુવારે જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રજૂઆતમાં નવસારીની જીવાદોરી સમાન પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓની જળવહન ક્ષમતા વધારવા માટે કોઈપણ મનસ્વી પદ્ધતિને બદલે સરકારની દેખરેખ હેઠળ નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ હાઇડ્રોલોજિકલ અને હાઇડ્રોલિક સર્વે કરાવીને જ વૈજ્ઞાનિક ઢબે ડ્રેજિંગ અને ડીસિલ્ટિંગ કરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક સરપંચે અગાઉ થયેલા ડ્રેજિંગના ફાયદા જણાવ્યા હતા, જ્યારે વેરાવળના ખેડૂત રાજુભાઈ પટેલે પૂરના પાણીથી જમીન ધોવાણની ગંભીર વ્યથા રજૂ કરી હતી. પર્યાવરણ પ્રેમીઓઍ ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર નદી ઊંડી કરવાથી પૂર અટકશે નહીં,પુલ, કોઝવે જેવા બોટલનેક્સ અને કુદરતી કાંસ - કોતરોના અવરોધો દૂર કરવા માટે ‘હાઇડ્રોલિક મોડેલિંગ’ અને ‘ફલડ કન્વેયન્સ સ્ટડી’ અનિવાર્ય છે. આ કામગીરી દરમિયાન નદી કાંઠાની સ્થિરતા અને જળચર જીવસૃષ્ટિને નુકસાન ન થાય તે રીતે પૂર નિયંત્રણ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. આ રજૂઆત કોઈપણ વ્યક્તિ કે પક્ષ વિરુદ્ધ નહીં પરંતુ નવસારીના નાગરિકો, ખેડૂતો અને ભાવિ પેઢીના વ્યાપક હિત તથા સલામતી માટે કરવામાં આવેલી ઍક જનહિતની પહેલ છે.