મોગરાવાડીથી ગિરરાજ સુધીના બિસ્માર માર્ગનું પેચવર્ક કરવા રજૂઆત
- byDamanganga Times
- 22 August, 2026
વલસાડ, તા. ૨૧ ઃ વલસાડ નગર પાલિકા વોર્ડ નં.૩ના સભ્યો જગ્નેશ ડી. પટેલ, યોગિનીબેન આર. શાહ અને ઍમ. ઍસ. ભંડારી દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, હાલમાં મોગરાવાડી શોપિંગથી ગિરરાજ સુધીના મુખ્ય માર્ગ પર ઠેર-ઠેર ગંભીર કક્ષાના ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્ના છે. આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ દરમિયાન મોગરાવાડી તથા અબ્રામા વિસ્તારના અનેક ગણેશ મંડળો દ્વારા ગણેશજીની મૂર્તિઓનું આગમન અને વિસર્જન સરઘસ આ જ મુખ્ય માર્ગ પરથી પસાર થનાર છે. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને વાહનોની અવરજવર રહેશે. રસ્તા પર પડેલા ખાડાઓના કારણે શ્રીજીની મૂર્તિને નુકસાન પહોંચવાની કે પ્રતિમા ખંડિત થવાની ગંભીર ભીતિ રહેલી છે. જો આવી કોઈ અનિચ્છિનીય ઘટના બને તો શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાઈ શકે છે અને જાહેર વ્યવસ્થા ખોરવાઈ શકે છે.
