ઓઝરડામાં અસરગ્રસ્ત પરિવારોને જીવન જરૂરિયાતની કીટનું વિતરણ
- byDamanganga Times
- 21 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૨૦ ઃ નાનાપોઢા તાલુકાના ઓઝરડા ગામે દોલધા નદીના કિનારે વસવાટ કરતા ચોમાસાથી અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે વાપીના દાતાઓ આગળ આવ્યા હતા. ભારે વરસાદ અને નદીના પાણીના કારણે અસરગ્રસ્ત બનેલા પરિવારોને રાહત મળે તે હેતુથી જીવન જરૂરિયાતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કામગીરી અંતર્ગત હરીશભાઈ પટેલ અને તેમના પત્ની મીરાબેન પટેલ ઓઝરડા ગામે પહોંચ્યા હતા.
તેમણે દોલધા નદી કિનારે રહેતા અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ તેમની પરિસ્થિતિ જાણી હતી અને ત્યારબાદ જરૂરિયાત મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કર્યું હતું. વરસાદી માહોલમાં પરિવારોઍ વેઠેલી મુશ્કેલીઓ વચ્ચે મળેલી આ મદદથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી હતી. આ કીટ વિતરણ માટે પરેશભાઈ, વાપી નગરપાલિકાના માજી પ્રમુખ પંકજભાઈ પટેલ તેમજ ગુડુંભાઈની માતાની યાદમાં સહયોગ આપવામાં આવ્યો હતો. દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારો સુધી સહાય પહોંચાડવામાં આવી હતી.
સ્થાનિક ગ્રામજનોઍ માનવતાભરી આ સેવાકીય કામગીરી બદલ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોઍ જણાવ્યું હતું કે કુદરતી આફત કે ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને સમયસર જીવન જરૂરિયાતની સામગ્રી મળી રહે તે અત્યંત જરૂરી છે.
વાપીના દાતાઓ દ્વારા ઓઝરડા ગામે કરવામાં આવેલી આ મદદ માત્ર સામગ્રી વિતરણ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ મુશ્કેલીના સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે સમાજ ઊભો છે તેવો માનવતાનો સંદેશ પણ આપ્યો હતો.
