ધોડીપાડામાં શ્રીમદ્ ભાગવત સાહમાં હજારો ભક્તોઍ કથાનું રસપાન કર્યું
- byDamanganga Times
- 21 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૦ ઃ ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત સાહને બુધવારે ભક્તિભાવપૂર્વક વિરામ આપવામાં આવ્યો હતો. ધારાસભ્ય રમણભાઈ પાટકરના નેતૃત્વમાં સતત આઠમા વર્ષે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં યોજાયેલી આ કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્ના હતા. કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવી શ્રોતાઓને ભક્તિ, જ્ઞાન અને સંસ્કારનો સંદેશ આપ્યો હતો. આઠ જિલ્લા પંચાયત વિસ્તારોમાંથી સેકડો શ્રોતા ભક્તો ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે પહોંચ્યા હતા અને કથારૂપી જ્ઞાનગંગામાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી. સાહ દરમિયાન શ્રીકૃષ્ણ જન્મ, શ્રીકૃષ્ણ વિવાહ અને ભગવાન નરસિંહના પ્રાગટ્ય સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કથા સાથે મહાપ્રસાદ અને વસ્ત્રદાનનું પણ આયોજન કરાયું હતું. મંડળ દ્વારા શ્રોતા ભક્તોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભવ્ય આયોજન દરમિયાન સરીગામ અને ઉમરગામના ઉદ્યોગકારો, વિવિધ ક્ષેત્રના આગેવાનો, સંતો તથા રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વિજયભાઈ પાટકર સહિત યુવાનોની ટીમે મહત્વની કામગીરી બજાવી હતી. કથાના વિરામ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે આયોજનમાં સહયોગ આપનાર તમામ દાતાઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરનાર ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો.
