સરીગામ નોટીફાઈડમાં મીની રેસ્ક્યુ ફાયર સેવા ઉપલબ્ધ થશે
- byDamanganga Times
- 21 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૦ ઃ સરીગામ નોટીફાઈડ વિસ્તારમાં બનતી આકસ્મિક ઘટનાઓ સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે નોટીફાઈડ બોર્ડ દ્વારા મીની રેસ્ક્યુ ફાયર સેવા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉમરગામ તાલુકામાં આ પ્રકારની પ્રથમ સુવિધા બનશે. નોટીફાઈડ બોર્ડના ચેરમેન દિલીપભાઈ ભંડારીઍ ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન બાદ પોતાના સંબોધનમાં આ જાહેરાત કરી હતી. ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોઍ રસ્તાઓ સાંકડા હોવાથી આગ, અકસ્માત કે અન્ય આકસ્મિક ઘટના સમયે મોટા ફાયર બ્રિગેડ વાહનોને ઘટના સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરીગામ નોટીફાઈડ બોર્ડના ચેરમેન દિલીપભાઈ ભંડારીઍ મીની ફાયર રેસ્ક્યુ વાહન ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ પ્રસ્તાવને મંજૂરી મળતા ઓગસ્ટ માસના અંત સુધીમાં સરીગામ નોટીફાઈડ બોર્ડ દ્વારા મીની રેસ્ક્યુ ફાયર સેવા શરૂ કરવામાં આવશે. ચાર પૈડાં ધરાવતા આ મીની ફાયર વાહનમાં પાણીની સુવિધા સાથે આશરે પાંચ જેટલા જવાનો બેસી શકશે. નાનું અને ઝડપી વાહન હોવાથી ગ્રામ્ય વિસ્તારોના સાંકડા રસ્તાઓમાંથી પસાર થઈને ઘટના સ્થળે સરળતાથી અને ઝડપથી પહોંચી શકાશે.
