Damanganga Times.

Damanganga Times.

August 21, 2026

સોળસુંબા પંચાયતમાં સત્તાના સમીકરણ બદલાયા : સરપંચ, ઉપસરપંચે પુનઃ ચાર્જ સંભાળ્યો

સોળસુંબા પંચાયતમાં સત્તાના સમીકરણ બદલાયા : સરપંચ, ઉપસરપંચે પુનઃ ચાર્જ સંભાળ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૦ ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ બળદેવભાઈ જશુભાઈ સુરતી અને ઉપસરપંચ અમિતકુમાર મણીલાલ પટેલને હોદા પરથી દૂર કરવાના જિલ્લા વિકાસ અધિકારી વલસાડના અગાઉના નિર્ણયો સામે ગાંધીનગર સ્થિત અધિક વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરવામાં આવી હતી. કમિશનરે કાયદાકીય બાબતોની ચકાસણી કરીને બંને હોદેદારોના બરતરફીના હુકમો રદ ઠરાવી, સમગ્ર બાબતે નવેસરથી નિર્ણય લેવા કેસ પરત (રીમાન્ડ) સોંપવાનો મહત્ત્વનો આદેશ કર્યો છે. આ આદેશના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બંને નેતાઓને હોદા પર પુનઃસ્થાપિત કરવાના અધિકૃત હુકમો જારી કરવામાં આવ્યા છે.
મુખ્ય ઘટનાક્રમ અને વિગતો જોતા આ અગાઉ સરપંચ બળદેવભાઈ જશુભાઈ સુરતી અને ઉપસરપંચ અમિતભાઈ મણીભાઈ પટેલને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૫૭(૧) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા ૬ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ઍમના હોદા અને સભ્ય પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીના આ હુકમને અધિક વિકાસ કમિશનરના દરબારમાં પડકારવામાં આવ્યો હતો અને જેમા થયેલી ચર્ચા મજુબ ઘટનાની તપાસ કરી ફરી નિર્ણય લેવા માટે કેસને પરત કરવામાં આવ્યો હતો આમ અધિક વિકાસ કમિશનરના રીમાન્ડ આદેશ બાદ જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નવો હુકમ કરીને તેમને સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ તથા સભ્ય તરીકે તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરાયા છે.કમિશનરે જૂનો આદેશ રદ કરતા વલસાડ જિલ્લા પંચાયતે ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીને  બળદેવભાઈ સુરતીને સરપંચ પદે અને  અમિતભાઈ પટેલને ઉપસરપંચ પદે તાત્કાલિક બંનેને પુનઃસ્થાપનાનો તાત્કાલિક અમલ કરવા અને જરૂરી બજવણી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ગુરૂવારના રોજ બપોરે ૧૨ઃ૦૫ કલાકે સોળસુંબા ગ્રામ પંચાયત કચેરી ખાતે મિત્રો અને સમર્થકોને ઉપસ્થિતિમાં સરપંચ બળદેવભાઈ સુરતી તથા ઉપસરપંચ અમિતભાઈ પટેલે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ઉપસ્થિતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સોળસુંબા પંચાયતમાં વિકાસ અને જન સુવિધા માટે લોકોને સહકાર આપવા ઉપસરપંચ અમિતભાઈ પટેલે અનુરોધ કર્યો હતો. આપત્તિના સમયમાં ડગલેને પગલે સહકાર આપનાર તમામ મિત્રોનો પણ આભાર માન્યો હતો.