કલેક્ટરની બાળકોના વિકાસ અને આરોગ્યલક્ષી માપદંડો સુધારવા તાકીદ
- byDamanganga Times
- 20 August, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને સંકલિત બાળ વિકાસ યોજના શાખાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ચાલી રહેલી વિવિધ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આંગણવાડી કેન્દ્રો મારફતે બાળકો અને માતાઓને આપવામાં આવતી વિવિધ સેવાઓની ગુણવત્તા, પોષણની સ્થિતિ, આરોગ્ય તપાસ, વૃદ્ધિ નિરીક્ષણ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા તેમજ કુપોષિત બાળકોની સમયસર ઓળખ કરી તેમને જરૂરી પોષણ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે વધુ સઘન કામગીરી હાથ ધરવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. બેઠક દરમિયાન સગર્ભા અને ધાત્રી માતાઓને નિયમિત આરોગ્ય તપાસ, પોષણયુક્ત આહાર, જરૂરી માર્ગદર્શન અને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તે સુનિડ્ઢિત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે સલામત, સ્વચ્છ અને અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ રહે તે માટે કેન્દ્રોની માળખાગત સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રોમાં જરૂરી મકાન, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, વીજળી, રસોડું, સ્વચ્છતા સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની ચકાસણી કરી, જ્યાં કોઈ ખામી જણાય ત્યાં સમયબદ્ધ ધોરણે જરૂરી કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં સરકારની બાળ વિકાસ અને માતા-બાળ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી અસરકારક રીતે પહોંચે અને યોજનાઓના અમલીકરણમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિભાગીય અધિકારીઓ તથા આંગણવાડી કાર્યકરો દ્વારા સંકલિત અને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મૂકાયો હતો. બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતા.
