Damanganga Times.

Damanganga Times.

August 20, 2026

બગવાડા ટોલનાકા પાસે ટ્રક સાથે અથડાયેલી કારમા઼થી દારૂ મળ્યો

બગવાડા ટોલનાકા પાસે ટ્રક સાથે અથડાયેલી કારમા઼થી દારૂ મળ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા ૧૯ ઃ ટુકવાડા ડોમ્સ કંપની નજીકથી મળેલી બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી દારૂ ભરેલી સિલ્વર કલરની મારુતિ સુઝુકી સિયાઝ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ, કાર વાપી તરફથી વલસાડ તરફ આવી રહી હતી. પોલીસે કારને રોકવાનો ઈશારો કરતાં ચાલકે કાર ઉભી રાખવાને બદલે બગવાડા ટોલનાકા તરફ પુરઝડપે હંકારી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનમાં તેનો પીછો કર્યો હતો. દરમિયાન બગવાડા ટોલનાકા પહેલાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી આગળ જઈ રહેલા ટ્રકની પાછળ કાર અથડાવી દીધી હતી.
અકસ્મતમાં કારનું ક્લીનર સાઈડનું ટાયર ફાટી ગયું હતું તથા બોનેટ, કાચ અને બોડીના ભાગે નુકસાન થયું હતું. કાર બંધ પડી જતાં ચાલક કારમાંથી ઉતરી હાઈવે ક્રોસ કરી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.પોલીસે કારની તપાસ કરતાં પાછળની સીટ તથા ડિક્કીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં વ્હિસ્કી, બીયર અને વોડકાની કુલ ૨૨ બોક્સમાં ૭૫૧ બોટલ/ટીન મળી આવ્યા હતા. દારૂનો કુલ જથ્થો ૨૨૯.૬૫૦ લીટર, કિંમત રૂ.૨,૫૯,૪૪૦ હોવાનું જાણવા મળ્યું હતું. દારૂની હેરાફેરીમાં વપરાયેલી મારુતિ સુઝુકી સિયાઝ કારની કિંમત આશરે રૂ.૫ લાખ ગણવામાં આવી છે. આમ પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂ.૭,૫૯,૪૪૦નો મુદ્દામાલ કબજે કર્યો.