વલસાડ પોલીસે બે દિવસમાં ૧૫થી વધુ બુલેટ ડિટેઇન કરી
- byDamanganga Times
- 20 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા ૧૯ ઃ વલસાડ શહેરમાં બુલેટ બાઈકમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવી જોર જોરથી અવાજ ફેલાવી શાંતિ ભંગ કરતા વલસાડ ટ્રાફિક પોલીસે હાથ ધરી છેલ્લા બે દિવસમાં ૧૫ જેટલા બુલેટ ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા બુટલ ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વલસાડ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ સીટી પોલીસ અને ટ્રાફિક પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા તત્વો સામે લાલ આંખ કરી છે..શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન પોલીસે સઘન ચેકિંગ હાથ ધરીને ૧૫થી વધુ મોડિફાઈડ સાયલેન્સરવાળી બુલેટને ડિટેઈન કરી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે તમામ ડિટેઈન કરાયેલી બાઇકોમાંથી મોટા અવાજ કરતા મોડિફાઈડ સાયલેન્સર જાતે જ કઢાવી નાખ્યા હતા અને કાયદેસરનો દંડ ફટકાર્યો હતો. સંયુક્ત ટીમ દ્વારા આજે ૬ થી વધુ બુલેટ ઝડપી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું..રસ્તાઓ પર મોટા અવાજ અને ફટાકડા જેવા ધડાકા કરી રાહદારીઓ તથા સ્થાનિક રહીશોમાં ભય અને અશાંતિ ફેલાવતા બાઇકર્સ સામે પોલીસનું આ કડક વલણ જોઈને શહેરીજનોઍ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિયમોનો ભંગ કરી મોડિફિકેશન કરાવનારા વાહનચાલકો સામે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
