વાપીમાં વરસાદે વિરામ લેતાં માર્ગ મરામતનું કામ શરૂ
- byDamanganga Times
- 20 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપીમાં વરસાદે વિરામ લેતા જ મહાનગરપાલિકા દ્વારા શહેરના વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓ અને માર્ગો પર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ થતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે રાહત મળવાની શક્યતા છે.
વાપી ટાઉનના સરદાર ચોકથી ઝંડા ચોક તેમજ આયુષ હોસ્પિટલથી બલીઠા સુધીના માર્ગ પર વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓ અને ખાડાઓ પુરવાની કામગીરી મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.
વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વાપી ટાઉનના મુખ્ય બજારના સરદાર ચોક સર્કલ પાસે છેલ્લા કેટલાક દિવસોથી રસ્તો ખૂબ જ ખરાબ થઈ ગયો હતો અને મોટા ખાડાઓ પડી ગયા હતાં જેને લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેવી જ રીતે વાપી ઝંડા ચોક, વાપી કસ્ટમ રોડ ઉપર આવેલ આયુષ હોસ્પિટલથી બલીઠા સુધીના માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાથી આ અંગેની રજૂઆત સ્થાનિક લોકો તેમજ દુકાનદાર અને વાહન ચાલકો દ્વારા વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઇ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ તેમજ કમિશ્નરને કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ તેઓઍ તાત્કાલિક આપેલ સૂચનાને ધ્યાને લઈ બાંધકામ વિભાગની ટીમ ઉપરોક્ત સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તાઓનું રિપેરિંગ પૂર્ણ થયા બાદ વાહનચાલકોને અવરજવરમાં પડતી મુશ્કેલીમાં ઘટાડો થશે અને સ્થાનિકોને પણ રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
