Damanganga Times.

Damanganga Times.

August 20, 2026

વાપી પંથકમાં પૂર માટે જવાબદાર કુદરતી કાંસ-નાળાઓ પરના દબાણોની નિષ્પક્ષ તપાસ જરૂરી

વાપી પંથકમાં પૂર માટે જવાબદાર કુદરતી કાંસ-નાળાઓ પરના દબાણોની નિષ્પક્ષ તપાસ જરૂરી


વાપી અને તેની આસપાસના ૧૨ ગામોમાં થતા પૂરનું કારણ માત્ર વરસાદ નથી, પરંતુ કુદરતી કાસ અને નાળાઓ પર થયેલા ગેરકાયદે દબાણો છે. આ અંગે ગંભીરતાથી વિચાર કરી જિલ્લા કલેકટર અથવા વાપી મનપા કમિશ્નર દ્વારા ખાસ તપાસ સમિતિ બનાવી સ્થળ તપાસ કરાવવાની જરૂર છે.
વાપીના નકશા અને ગામતળના રેકોર્ડ મંગાવી કુદરતી વહેણ ક્યાંથી પસાર થાય છે અને તેના પર કેટલા દબાણો છે તેનો અભ્યાસ કરવો જોઈઍ. ત્યારબાદ જે અધિકારીઓઍ નિયમોને નેવે મૂકી મંજૂરી આપી હોય તેમની સામે કાયદાકીય પગલાં લેવા જોઈઍ. સાથે જ ભૂતપૂર્વ સુરત મ્યુનિ. કમિશ્નર રાવની જેમ હિંમત દાખવી આવા દબાણોનું ડિમોલિશન કરી દાખલો બેસાડવો પડશે.
હાલની સ્થિતિ ચોંકાવનારી છે. વાપીના ઍસટી ડેપોથી લઈ જૂના પોલીસ સ્ટેશન આઝાદ નગર વિસ્તાર, ચલામાં કસ્ટમ રોડ, મુક્તાનંદ માર્ગથી મનપા ઝોન કચેરી પાછળ સ્મશાન ભૂમિ સુધીની કુદરતી કાસ બિલ્ડિંગોના દબાણથી સાંકડી અને દબાઈ ગઈ છે. પારેખ હોસ્પિટલ નજીક વિસ્તાર, કસ્ટમ રોડ, મહેશ્વરી ભવન સામે વિસ્તાર, કેવડી ફળિયા રોડથી દમણ તરફ કાબ્રા હાઉસ તરફનો વિસ્તાર, ટીબીઝેડ પાછળ દોઢ દશક પહેલા ખુલ્લી અને વિશાળ હતી તે કાસની દિશા જ બદલી નાખી તેની જમીન પર વિશાળ હાઉસિંગ પ્રોજેક્ટ ઉભા કરી દેવાયા છે. હવે ત્યાં આરસીસી સ્લેબ નાખી સાંકડી કાસ બનાવી તેના ઉપર પણ ર્પાકિંગના દબાણો છે. છરવાડા ખોડિયાર નગરમાં પણ નાળા ઉપર બિલ્ડિંગો તાણીને બાંધવામાં આવી છે. સલવાવમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે હાઈવે ક્રોસ કરતી વિશાળ કાસ પર હાઈવે સર્વિસ રોડને લાગુ ઍક ખ્યાતનામ સ્કૂલ-કોલેજ દ્વારા દબાણ કરાયું હોવાનું સ્થાનિકો કહે છે.  ચણોદમાં ચણોદ કોલોની મણિનગર વિસ્તારમાં કુદરતી કાંસ ઉપર ઍક સ્કૂલ તેમજ કેટલાક પાકા મકાનોનું દબાણ, શિવાજી નગરમાં પણ અનેક દબાણો કુદરતી વહેણને અવરોધી રહ્ના છે.   આ જ રીતે કરવડ રોડને લાગુ સર્વે નંબર ૨૯૭ સામે કુદરતી કાંસ પૂરી દઈ તેના ઉપર પ્લોટિંગ થઈ ગયું છે તો સર્વે નંબર ૨૭૮, ૩૧૦, ૩૦૯, ૩૨૨, ૩૨૩, ૩૨૮, ૩૪૫, ૩૪૪, ૩૪૦, ૩૩૯, ૩૩૭, ૩૩૬, ૩૩૫ વિગેરે હદ પાસેથી પસાર થતી કુદરતી કાંસ ઉપર સંખ્યા કાચા પાકા દબાણો થઈ ગયા છે. કહેવાય છે કે ગામતળમાં નકશામાં ૨૦ ફૂટ પહોળી બોલતી કાંસ અનેક ઠેકાણે માંડ ૭ થી ૮ ફૂટની થઈ ગઈ છે.કહેવાય છે કે કુંડરતી કાંસથી ઓપન ટુ સ્કાઈ જગ્યા છોડી કોઈ પણ બાંધકામ કરવાનું હોય છે પરંતુ અહીં તો આખી કાંસ અનેક સ્થળે ગાયબ છે.જેને કારણે દર ચોમાસે પાટિયા, મોરા ફળિયા, સાઈ આસ્થા વિસ્તાર, દેસાઈવાડ જેવા વિસ્તારો પાણીમાં જળબંબાકાર થઈ જાય છે. ડુંગરી ફળિયા, ડુંગરા, મોરાઈ, કુંતા વિસ્તારના હાલ છે. બલીઠા અને જીઆઈડીસી બિલખાડી વિસ્તારમાં પણ નિષ્પક્ષ તપાસ થાય તો સેંકડો ગેરકાયદે દબાણો સામે આવશે.
ચાલુ વર્ષે સર્જાયેલ પૂર જેવી સ્થિતિ કુદરતી નહીં પણ માનવ સર્જિત છે તેમાં કોઈ શંકા નથી. સવાલ ઍ છે કે ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે વહીવટી તંત્ર કેટલી હિંમત બતાવે છે?
મનપા પોતાની ૬ ઍકર જગ્યા ખુલ્લી કરે...
વાપી સિટી વિસ્તારની ૬ ઍકર જગ્યા ખુલ્લી કરવાનો સમય આવી ગયો છે. નગર પંચાયત સમયની ઇમરાન નગર મસ્જિદને લાગુ કંચનનગરમાં મનપાની ૬ ઍકર જગ્યા આવેલી છે જેના ઉપર તે તત્કાલી કલેક્ટર દ્વારા ૭ થી ૮ લોકોને રહેવા માટે ફાળવેલી હતી. આજે ઍ જગ્યા ઉપર અનેક કાચા-પાકા મકાન, દુકાનોનું ગેરકાયદે બાંધકામ થઈ ગયું છે. આ સરકારી જગ્યા મનપા ખાલી કરાવી ત્યાં ઍફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવી શકાય તેમ છે. કમિશ્નર આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે.