સંજાણમાં ઉલ્ટી ગંગા :ચોરોઍ જ ફોન કરી પોલીસ બોલાવી!
- byDamanganga Times
- 20 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૯ ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા માટે શટર તોડી અંદર ઘૂસેલા બે ચોરોને સ્થાનિક લોકોની સમયસૂચકતાથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ચોરટાઓઍ જ્વેલર્સની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન ઍક યુવાન જાગી જતા તેણે ચોરો દુકાનમાં પ્રવેશે ત્યાં સુધી નજર રાખી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોઍ ચોરોને દુકાનની અંદર જ પૂરી દીધા હતા અને બહાર નીકળવાનો રસ્તો બંધ કરી દીધો હતો. ચોરોઍ આસપાસના કેટલાક ઘરોના દરવાજાને બહારથી કડી મારી દીધી હોવાનું તેમજ લાઇટના કનેક્શનનો ઉપયોગ કરી શટરનું તાળું તોડ્યું હોવાનું જાણવા મળ્યું છે.
લોકોઍ ચોરોને દુકાનમાંથી બહાર નીકળવા ન દીધા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને દુકાનમાં પૂરાયેલા બંને ચોરોને ઝડપી લીધા હતા.
પ્રાથમિક માહિતી મુજબ બંને આરોપીઓ મહારાષ્ટ્ર તરફના હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોની સતર્કતા અને સમયસૂચકતાના કારણે શટર તોડી ચોરી કરવા આવેલા ચોરટાઓ ચોરી કરતા પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. લોકોનું ટોળું ઍકત્રિત થતાં ચોર ઈસમો ગભરાઈ ગયા હતા અને સ્વ બચાવ માટે તેઓઍ પણ પોલીસ ને ફોન કર્યો હતો. ઉમરગામ પોલીસે ચોર ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
