વાપીના જાણીતા કન્સલ્ટન્ટનું નિધન : દેહદાન કર્યુ
- byDamanganga Times
- 20 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ વાપીના જાણીતા કન્સલ્ટન્ટ અને કેમટચ કન્સલ્ટન્સના સંચાલક બકુલભાઈ પારેખનું આજે હૃદયરોગના હુમલાના કારણે ૭૪ વર્ષની વયે નિધન થયું હતું. અગાઉ તેમણે કરેલા સંકલ્પ મુજબ તેમના પાર્થિવદેહને મેડિકલ કોલેજને અર્પણ કરવામાં આવશે. પરિવારજનો દ્વારા તેમની અંતિમ ઈચ્છાનું સન્માન કરી આજે રાત્રે ૧૦ વાગ્યે પાર્થિવદેહ મેડિકલ કોલેજને અર્પણ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. મૂળ રાજકોટના વતની બકુલભાઈ પારેખે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં વાપી નજીક ચંડોળ ગામે આવેલી અમરડાઈ કેમ લિમિટેડ અને ધ્ઘ્ખ્ લિમિટેડ કંપનીમાં તેમજ કલ્યાણ ખાતેના પ્લાન્ટમાં પ્લાન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ કંપનીઓ બંધ થતાં તેમણે છેલ્લા આશરે ૪૦ વર્ષથી વાપીમાં કેમટચ કન્સલ્ટન્સ નામે કન્સલ્ટન્સી શરૂ કરી હતી અને વાપી, સરિગામ તથા વલસાડ પંથકની વિવિધ કેમિકલ સહિતની કંપનીઓમાં કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી હતી. બકુલભાઈ પારેખ વાપી જીઆઈડીસીના ગુંજન વિસ્તારમાં આવેલા શાંતિનગરમાં જૈન દેરાસર સામે રહેતા હતા. તેઓ વાપી જીઆઈડીસી વિસ્તારના કેમિકલ ઍન્જિનિયર ઍસોસિઍશનના પ્રમુખ તરીકે પણ સેવા બજાવતા હતા. લાંબા સમયથી ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા બકુલભાઈ પારેખના નિધનથી તેમના પરિવારમાં તેમજ વાપીના ઉદ્યોગ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.
