કપરાડા-નાનાપાંઢા માટે નવી પ્રાંત કચેરી મંજૂર
- byDamanganga Times
- 20 August, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા.૧૯ ઃ વલસાડ જિલ્લાના કપરાડા અને નવનિર્મિત નાનાપોઢા તાલુકાના નાગરિકો માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા કપરાડા અને નાનાપોઢા તાલુકાનો સમાવેશ કરતી નવી પ્રાંત કચેરીની રચનાને મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે. કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા વિસ્તારની વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી પ્રાંત કચેરીની માંગ સાથે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી. તેમના અથાક પ્રયાસો અને સતત રજૂઆતોના પરિણામે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નવી પ્રાંત કચેરી હેઠળ કપરાડા તાલુકો તથા નાનાપોઢા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ધરમપુર પ્રાંતનું મુખ્ય મથક ધરમપુર ખાતે જ રહેશે અને તેમાં ધરમપુર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી પ્રાંત કચેરી કાર્યરત થતાં કપરાડા અને નાનાપોઢા વિસ્તારના લોકોને વિવિધ મહેસૂલી અને વહીવટી કામગીરી માટે દૂરના સ્થળોઍ જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. જમીન સંબંધિત કામગીરી, મહેસૂલ વિભાગની સેવાઓ, સરકારી યોજનાઓનો લાભ, વહીવટી પ્રક્રિયાઓ તેમજ અન્ય શાસકીય સેવાઓ વધુ નજીકથી અને સરળતાથી મળી શકશે. ખાસ કરીને અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્ના છે. નવી કચેરીના કારણે વહીવટી તંત્ર અને સામાન્ય નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે. સ્થાનિક કક્ષાઍ વહીવટી કામગીરીને વેગ મળશે અને નાગરિકોની રજૂઆતો તથા પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે વધુ સુવિધાજનક માળખું ઊભું થશે. ગુજરાત સરકારનો આ નિર્ણય કપરાડા અને નાનાપોઢાના વહીવટી સશક્તિકરણ સાથે વિકાસને પણ નવી દિશા આપનાર બની રહેશે. સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડવામાં નવી પ્રાંત કચેરી મહત્વની ભૂમિકા ભજવશે. કપરાડા અને નાનાપોઢા વિસ્તારના નાગરિકો માટે ‘જનસેવા વધુ નજીક, વહીવટ વધુ સરળ અને વિકાસને વધુ વેગ’ આપતી આ નવી પ્રાંત કચેરીની મંજૂરીને મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
