Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વલસાડ જિલ્લામાં નવી ગ્રીન ટેકનોલોજી આધારિત બે રસ્તાની ફાળવણી

વલસાડ જિલ્લામાં નવી ગ્રીન ટેકનોલોજી આધારિત બે રસ્તાની ફાળવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પર્યાવરણને અનુકૂળ અને આબોહવા સામે ટકી રહે તેવા ગ્રીન ટેક્નોલોજી આધારિત રસ્તાઓના નિર્માણ માટે રૂ. ૧,૧૪૭ કરોડના ખર્ચે ૨૦ માર્ગોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લાના ધરમપુરથી કપરાડા અને પારડીથી ધરમપુર સુધીના બે મુખ્ય માર્ગનો પણ સમાવેશ કરાયો છે આ માર્ગો હવે ગ્રીન ટેકનોલોજીથી બનાવવા છે.
વલસાડ જિલ્લામાં ધરમપુરથી કપરાડા તેમજ પારડીથી ધરમપુર સુધીના મુખ્ય માર્ગોનું ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી નિર્માણ કરવામાં આવશે. ભારે વરસાદ અને બદલાતી આબોહવાની પરિસ્થિતિમાં પણ રસ્તાઓ મજબૂત અને ટકાઉ રહે તે માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે.
આ માર્ગોના નિર્માણમાં જૂના ડામર અને કોન્ક્રીટ સામગ્રીનું રિસાયક્લિંગ કરવામાં આવશે. ઉપરાંત વેસ્ટ પ્લાસ્ટિક તેમજ થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતી ફલાય ઍશ જેવી સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવશે. આથી રસ્તાના નિર્માણમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ ઘટશે અને કચરાના પુનઃઉપયોગને પ્રોત્સાહન મળશે. વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતો હોવાથી નવા માર્ગો વરસાદ અને પાણીના કારણે ઝડપથી નુકસાન ન પામે તે માટે ગ્રીન ટેક્નોલોજી આધારિત ટકાઉ બાંધકામને મહત્વ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ધરમપુર, કપરાડા અને પારડી સહિતના વિસ્તારોના વાહનવ્યવહારને વધુ સુવિધા મળવાની સાથે માર્ગોની ગુણવત્તા અને આયુષ્યમાં પણ વધારો થવાની આશા છે.