ધરમપુરમાં સાળી-બનેવીઍ પ્રેમ સંબંધમાં ફાંસો ખાધો
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૭ ઃ ધરમપુર તાલુકાના ઉકતાગામના ધામણમાળ ફળિયા વિસ્તારમાં સાળી-બનેવીના સંબંધમાં આવતા યુવતી અને યુવકે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ બામટી ગામની ૨૨ વર્ષીય હિરલબેન બાલુભાઈ પટેલ અને ખારવેલ ગામના ૨૭ વર્ષીય જયદીપભાઈ ભગવાનજી પટેલ ઍકબીજાના સાળી-બનેવીના સંબંધમાં થતા હતા. તા.૧૫ ઓગસ્ટની રાત્રિ દરમિયાન બંને પોતાના ઘરેથી ગૂમ થયા બાદ પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન જયદીપભાઈની કાર ઉકતા ગામના ધામણમાળ ફળિયા વિસ્તારમાંથી મળી આવી હતી. કારથી આશરે ૬૦૦ મીટર દૂર ડુંગર વિસ્તારમાં ઍક ઝાડ ઉપર બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધરમપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. મૃતક હિરલબેનના પિતા બાલુભાઈઍ આપેલી જાહેરાત મુજબ હિરલબેન અને જયદીપભાઈ વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાત સામે આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ બંનેઍ ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, બંનેઍ આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાને પગલે ધરમપુર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે બનાવ અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
