Damanganga Times.

Damanganga Times.

August 18, 2026

વલસાડમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભવ્ય કાવડયાત્રા નીકળી

વલસાડમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભવ્ય કાવડયાત્રા નીકળી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વલસાડ પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શહેરના ગુંદલાવ અને કાંઠા વિસ્તારના કોસંબા ખાતેથી નીકળેલી ભવ્ય કાવડ યાત્રાઓમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા અને અબ્રામા સ્થિત સુપ્રસિદ્ધ શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. ગુંદલાવ સ્થિત ઐતિહાસિક શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિર થી ઉત્તર ભારતીય સમાજ અને શિવભક્તો દ્વારા વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ રિક્ષા ઍસોસિઍશન દ્વારા વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ ઉત્તર ભારતીય સમાજના અગ્રણી આશુતોષ મિશ્રા અને પાલિકા કાઉન્સિલર જીગ્નેશ પટેલનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગુંદલાવ ગામના સરપંચ નીતિન પટેલ, કેયુર પટેલ, વલસાડ રિક્ષા ઍસોસિઍશનના પ્રમુખ વિમલસિંહ સહિત ઉત્તર ભારતીય સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. ભજન-કીર્તન અને ‘બમ બમ ભોલે’ના નારા સાથે આ યાત્રા અબ્રામા સ્થિત તડકેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી.
બીજી તરફ, વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા કોસંબા ગામના રામજી મંદિર ખાતેથી પણ ભવ્ય કાવડ યાત્રા નીકળી હતી. આ યાત્રા ગામના માર્ગો પરથી પસાર થઈ અબ્રામા સ્થિત શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી. જ્યાં નગરપાલિકા કાઉન્સિલર વિનોદ શર્મા, સુનિલ યાદવ સહિતના આગેવાનો અને ભક્તો દ્વારા પવિત્ર જળ વડે શિવલિંગ પર વિધિવત જળાભિષેક અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
યાત્રાના સમાપન બાદ તમામ કાવડિયાઓ અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોઍ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન વલસાડ શહેર અને આસપાસનો વિસ્તાર શિવભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો.