બરૂમાળ મંદિરે ભકતોની ભીડ ઉમટી
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૭ ઃ આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને નાગપંચમીના પાવન પર્વનો સંયોગ થતાં ધરમપુરનગર સહિત આસપાસના વિસ્તારોના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુ ભક્તો વહેલી સવારથી જ પૂજા સામગ્રી સાથે શિવમંદિરોમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભક્તોઍ ભગવાન શિવને દૂધ અને જળનો અભિષેક કરી પુષ્પો તથા બિલીપત્ર અર્પણ કરી ભાવભક્તિપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. ધરમપુરના બરૂમાળ ખાતે આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોઍ દર્શન કરી ભગવાન શિવની આરાધના કરી હતી. તેમજ પ્રભુ ફળિયાનું વિમળેશ્વર મંદિર, મનહરઘાટનું શિવમંદિર, મોહનગઢનું મોહનેશ્વર મંદિર, દસોંદી ફળિયાનું મહાદેવ મંદિર અને ત્રણ દરવાજા નજીકનું નિયતેશ્વર મંદિર સહિતના શિવાલયોમાં પણ સવારથી ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી. શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમીના પવિત્ર સંયોગે સમગ્ર ધરમપુરમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને શિવાલયોમાં ‘હર હર મહાદેવ’ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા.
ભાવિકોઍ પરિવાર સાથે ભગવાન શિવના દર્શન કરી સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે -ાર્થના કરી હતી.
