Damanganga Times.

Damanganga Times.

August 18, 2026

ડાભેલ દિવ્યજયોત સ્કુલમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું

ડાભેલ દિવ્યજયોત સ્કુલમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૭ ઃ દિવ્યજ્યોતિ હાયર સેકન્ડરી સ્કૂલ, ડાભેલ ખાતે ૧૫ ઓગસ્ટના રોજ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને રાષ્ટ્રધ્વજને સલામી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ઝંડા ગીત રજૂ કરવામાં આવ્યું તથા પરેડ યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓઍ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સ્વાતંત્ર્ય દિવસ તથા દેશભક્તિની ભાવના પર સુંદર વક્તવ્ય રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ આધારિત વિવિધ ગીતો અને નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.
આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી  સત્યપ્રકાશ સર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સારા ધ્યેયો નક્કી કરવા, મહેનત કરવા તથા જવાબદાર અને આદર્શ નાગરિક બનવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
કાર્યક્રમના ભાગરૂપે શિક્ષકો દ્વારા ભારતનો સુંદર નકશો તૈયાર કરવામાં આવ્યો હતો, જે દેશની ઍકતા અને અખંડિતતાનું પ્રતીક બન્યો હતો. અંતે સમગ્ર શાળા પરિવાર દ્વારા રાષ્ટ્રગાન ગાઈને દેશ પ્રત્યેની ઍકતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના સમાપન બાદ તમામ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવીને તેમને વિદાય આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા પરિવારનો ઉત્સાહ અને દેશભક્તિ સ્પષ્ટપણે જોવા મળ્યા હતા.