વલસાડની જીવીડી હાઈસ્કૂલમાં ૫૦મી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ શ્રી વલસાડ સાર્વજનિક કેળવણી મંડળસંચાલિત જીવીડી સાર્વજનિક હાઈસ્કૂલ, વલસાડ ખાતે કેળવણી મંડળના પ્રમુખ વિનોદચંદ્ર ઍમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ૫૦મી મણિભાઈ પરાગજી દેસાઈ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના મદદનીશ શિક્ષિકા વર્ષાબેન ઍલ. પટેલના વરદહસ્તે ધ્વજવંદન તથા વૃક્ષારોપણથી થઈ હતી. ત્યારબાદ વિલાસભાઈ પટેલ અને સોનલબેન કાપડિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીવૃંદ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. પચાસ વર્ષથી અવિરત યોજાતી આ વક્તૃત્વ સ્પર્ધા શાળાની આગવી પરંપરા બની રહી છે. આ વર્ષે માધ્યમિક વિભાગ માટે ‘પ્રકૃતિ સાથે ચેડાં – માનવી વિનાશના આરે’ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે જન આંદોલનનો નવો ચહેરો’ વિષય રાખવામાં આવ્યો હતો. માધ્યમિક વિભાગમાં મેઘ રાઠોડ પ્રથમ ક્રમે અને પ્રિન્સ ઍસ. હળપતી દ્વિતીય ક્રમે રહ્ના હતા. જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શ્લોક પાટિલ પ્રથમ ક્રમે અને દિવ્યેશ બારિયા દ્વિતીય ક્રમે રહ્ના હતા. સ્પર્ધામાં મંજુલાબેન પટેલ અને સનમબેન પટેલે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે ઍસ.ઍસ.સી. અને ઍચ.ઍસ.સી. પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ સહઅભ્યાસી પ્રવૃત્તિઓના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો ઍનાયત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય આર. કે.પટેલે વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી તેમને ભવિષ્યમાં વધુ ને વધુ પ્રગતિ કરવાની શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન પટેલ અને જયશ્રીબેન પટેલે કર્યું હતું, જ્યારે કલ્પનાબેન પટેલે આભારવિધિ કરી હતી.
