Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

નળીમધનીથી અરણાઈ ડુંગર સુધી ૧૦ કિમી અશ્વયાત્રા યોજાઈ

નળીમધનીથી અરણાઈ ડુંગર સુધી ૧૦ કિમી અશ્વયાત્રા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૬ ઃ નાનાપોંઢા તાલુકામાં વલસાડ જિલ્લા પોલીસના અશ્વદળ તેમજ જિલ્લા અશ્વપ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનના સંદેશને લોકો સુધી પહોંચાડવાના હેતુથી ૧૬ ઓગસ્ટના રોજ આશરે ૧૦ કિમીની અશ્વયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નળીમધનીથી શરૂ થયેલી આ અશ્વયાત્રા અરણાઈ, આમધા અને અરણાઈ ડુંગર સુધીના રૂટ પર યોજાઈ હતી. યાત્રામાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, અશ્વપ્રેમીઓ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અશ્વયાત્રા દરમિયાન માર્ગમાં આવતા ગામોમાં ગ્રામજનો દ્વારા અશ્વદળનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકો અને વિદ્યાર્થીઓમાં પણ અશ્વદળને નિહાળવા માટે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. અરણાઈ ખાતે આવેલા રામકુંડમાં યાત્રામાં જોડાયેલા લોકોઍ હાથ-પગ ધોઈ રામ મંદિરના દર્શન કર્યા હતા, જ્યારે રામ-સીતા મંદિર ખાતે પણ પોલીસ અધિકારીઓ અને અશ્વયાત્રામાં જોડાયેલા લોકોઍ દર્શન કર્યા હતા. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને કીટ અને ટિફિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વૃક્ષોનું જતન, આસપાસના વિસ્તારની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. અશ્વયાત્રા થકી પોલીસ અને ગ્રામજનો વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનાવવાનો તેમજ સ્વચ્છતા અને હરિયાળા પર્યાવરણનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા. નળીમધનીથી અરણાઈ, આમધા થઈ અરણાઈ ડુંગર સુધી નીકળેલી આ ૧૦ કિમીની અશ્વયાત્રા દ્વારા પોલીસ-પ્રજા સંપર્ક સાથે ‘સ્વચ્છતા અપનાવો, વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો’નો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.