દાનહમાં આજથી બે માસ સુધી હાઈવેના માર્ગ નો પાર્કિંગ ઝોન જાહેર
- byDamanganga Times
- 17 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૬ ઃ દાદરા અને નગર હવેલી જિલ્લામાં ભારે કોમર્શિયલ તથા માલવાહક વાહનોના જાહેર માર્ગો પર અનધિકૃત ર્પાકિંગને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અમિત કુમારે મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.
આદેશ મુજબ શહીદ ચોકથી નરોલી ઍન્ટ્રન્સ ગેટ સુધીનો માર્ગ, સેલવાસ રિંગ રોડ, સમરવરણી રખોલી રોડ તેમજ જિલ્લામાંથી પસાર થતા તમામ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ભારે કોમર્શિયલ અને માલવાહક વાહનોનું ર્પાકિંગ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.
ભારે વાહનોના ર્પાકિંગથી રસ્તાની ઉપયોગી પહોળાઈ ઘટતી હોવાથી ટ્રાફિક જામ, રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી તેમજ અકસ્માતનું જોખમ વધતું હોવાનું આદેશમાં જણાવાયું છે. ખાસ કરીને ઍમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતના ઇમરજન્સી વાહનોની અવરજવર સરળ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.
આદેશનો ભંગ કરનાર વાહનો સામે ટોઈંગ, વ્હીલ ક્લેમ્પ સહિતની કાર્યવાહી થઈ શકે છે. ટોઈંગ, સ્ટોરેજ અને અન્ય લાગુ પડતા ખર્ચની જવાબદારી વાહન માલિક અથવા ચાલકની રહેશે. ઉપરાંત મોટર વ્હીકલ ઍક્ટ તથા અન્ય લાગુ કાયદા હેઠળ દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે.
ટ્રાફિક પોલીસ, પરિવહન વિભાગ અને અન્ય અમલીકરણ ઍજન્સીઓને નિયમિત પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ફાયર બ્રિગેડ, ઍમ્બ્યુલન્સ તથા કાયદેસરની ફરજ પરના સેવા વાહનોને જરૂરી છૂટ આપવામાં આવી છે. આ પ્રતિબંધ ૧૭ ઓગસ્ટ ૨૦૨૬થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ સુધી બંને દિવસ સહિત અમલમાં રહેશે.
