સેલવાસમાં કલેકટરના હસ્તે ધ્વજવંદન કરાયું
- byDamanganga Times
- 17 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. દાદરા અને નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કોર ઍરિયા, સ્ટેડિયમ ગ્રાઉન્ડ, સેલવાસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રિયાંક કિશોરની અધ્યક્ષતામાં દેશભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’થી થયો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કર્યું અને રાષ્ટ્રગાન સાથે સમારોહનો વિધિવત પ્રારંભ થયો હતો. ધ્વજવંદન બાદ પોલીસ, ભારતીય રિઝર્વ બટાલિયન, અગ્નિશામક દળ, હોમગાર્ડના પ્લાટૂન તેમજ ઍનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
સમારોહ દરમિયાન બાલ ભવન કેન્દ્ર અને સ્વામી વિવેકાનંદ મંદિર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ નૃત્યાંગનાઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દીવ ખાતે યોજાયેલા સંઘ -દેશ સ્તરીય સ્વાતંત્ર્ય દિવસ સમારોહમાં પ્રશાસક પ્રફુલ પટેલના સંબોધનનું સીધું પ્રસારણ ઉપસ્થિત જનમેદની માટે કરવામાં આવ્યું હતું. સમારોહમાં જિલ્લા કલેક્ટરના હસ્તે બોર્ડ પરીક્ષા-૨૦૨૬માં શત-પ્રતિશત પરિણામ મેળવનારા બે વિદ્યાર્થીઓ, જિલ્લા સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા બે વિદ્યાર્થીઓ તેમજ શતરંજના ત્રણ ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઇન્ડિયા ક્વિઝ સ્પર્ધામાં વિજેતા ત્રણ શાળાઓ, પૂર દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને અગ્નિશામક તથા કટોકટી સેવાઓ વિભાગ તેમજ જીવનરક્ષા માટે ઍક આપત્તિ મિત્ર સ્વયંસેવકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં અગ્રણીઓ, રાજનેતાઓ, જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ, શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ, મીડિયા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન સાથે સમારોહનું સમાપન થયું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટરે જન પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ સાથે તિરંગા રંગના ફુગ્ગાઓ આકાશમાં ઉડાડી શાંતિ, ઍકતા અને સ્વાતંત્ર્યનો સંદેશ આપ્યો હતો.
