Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

વાપીમાં બોગસ તબીબોનો રાફડો

વાપીમાં બોગસ તબીબોનો રાફડો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક સ્થળોઍ કોઈપણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી કે લાયકાત ન ધરાવતા કથિત બોગસ તબીબો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આવા લોકો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવા છતાં તાલુકા હેલ્થ ઓફિસર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતી હોવાને કારણે તેઓ બેફામ બન્યા હોવાની ચર્ચા છે.
વાપી ઍક મહત્વપૂર્ણ ઔદ્યોગિક નગરી હોવાથી રોજગારીની શોધમાં સમગ્ર દેશમાંથી લોકો અહીં આવીને વસ્યા છે. વાપીની વિવિધ કંપનીઓમાં કામ કરતા અનેક શ્રમિકો ચાલીઓ અને સ્લમ વિસ્તારોમાં રહે છે. ચોમાસાની ઋતુમાં આવા વિસ્તારોમાં રહેતા લોકો બીમાર પડે ત્યારે આર્થિક કારણોસર મોટી હોસ્પિટલ કે ખાનગી ક્લિનિકમાં જવાને બદલે નજીકમાં પ્રેક્ટિસ કરતા કથિત બોગસ તબીબો પાસે સારવાર કરાવતા હોવાના આક્ષેપો છે.
ચિંતાજનક બાબત ઍ છે કે, કોઈપણ માન્ય તબીબી લાયકાત ધરાવતા ન હોવા છતાં કેટલાક કથિત તબીબો દર્દીઓને ઍલોપેથિક દવાઓ આપતા હોવાની સાથે જરૂરિયાત મુજબ ઈન્જેક્શન અને બોટલ ચડાવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્ના છે. આવી સારવાર દરમિયાન કોઈ ગંભીર આડઅસર કે કટોકટી સર્જાય તો દર્દીના જીવ સામે પણ જોખમ ઊભું થઈ શકે છે. ખાસ કરીને વાપીના ગીતાનગર, કોડીવાડ, ભડકમોરા, સુલપડ, આંબેડકરનગર, ચણોદ, ચણોદ કલોની, હરિયા પાર્ક, ડુંગરી ફળિયા, ડુંગરા, છીરી, રાતા, કોચરવા, પંડોર, નામધા, ખડકલા, ચલા, કબ્રસ્તાન રોડ તેમજ બલીઠા-મોરાઈ સહિતના વિસ્તારોમાં આવા કથિત બોગસ તબીબો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે.
ઍક તરફ સરકાર દ્વારા લોકોના આરોગ્યની સુરક્ષા માટે વિવિધ આરોગ્ય સેવાઓ અને નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ કોઈપણ માન્ય તબીબી લાયકાત વિના સારવાર કરતા લોકો સામે નિયમિત તપાસ અને કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે અંગે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. સાથે અગાઉ અનેક વખત બોગસ ડોક્ટર બની ક્લિનિક ચલાવતા મુન્નાભાઈઓ ઝડપાઈ ચુક્યા છે અને ફરીથી તેઓ તે જ જગ્યા ઉપર ફરીથી ક્લિનિક ચલાવી રહ્ના છે અને તેઓને આરોગ્ય વિભાગના અધિકારીઓને કોઈ ગભરાટ ન હોવાનું દેખાઈ રહ્નાં છે.
વાપી તાલુકા હેલ્થ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવા કથિત બોગસ તબીબોની પ્રેક્ટિસ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરી તેમની લાયકાત અને સારવાર અંગેની કાયદેસરતા ચકાસવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે અને ગરીબ તથા શ્રમિક વર્ગના લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે નિયમિત મોનિટરિંગ કરી યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે.