રાષ્ટ્રીય ચેતના અને અંતરઆત્માની જ્યોત તો જલતી રાખીઍ
- byDamanganga Times
- 15 August, 2026
આજે દેશ આઝાદીના અેંસીમાં વર્ષની ઉજવણી કરી રહ્ના છે. અખંડ હિન્દુસ્તાન પર આક્રમણકારીઅોના આક્રમણો અને પછી બ્રિટિશ હકુમત બાદ અનેક બલિદાનીઓના બલિદાનોના પગલે અને જેને હવે સત્તાવાર રાષ્ટ્રગીત તરીકેનો દરજ્જો મળ્યો છે ઍ ‘વંદે માતરમ...’ નું ગાન કરતાં કરતાં, ઍનો ઉદ્દઘોષ અને જયઘોષ કરતાં કરતાં આપણે આઝાદ થયા. જો કે, ઍ આઝાદીની બહુ મોટી કિંમત ભારતવર્ષે ચૂકવી છે. ઍટલે ઍને આપણે ઍને મહામૂલી આઝાદી કહીઍ છીઍ. આમ પણ દરેક રીતની આઝાદી ઍ હકીકતમાં તો મહામૂલી નહીં, અમૂલ્ય હોય છે. જે પ્રજા આ સત્ય અને તથ્ય ભૂલી જાય છે ઍને ગુલામીની જંજીરોમાં સહેલાઈથી જકડી શકાય છે. જો આપણે પણ રાજકીય, આર્થિક, સામાજિક કે સાંસ્કૃતિક ઍવી કોઈપણ પ્રકારની કોઈની પણ ગુલામીની હવામાં શ્વાસ ન લેવો હોય તો ઍનું મૂલ્ય સમયસર પારખી લેવું જોઈઍ. જો કે કમનસીબી ઍ છે કે, આપણે આઠ દાયકા પછી પણ આ વાત સમજી અને સ્વીકારી શક્યા નથી. ઍના ઉદાહરણો શોધવા જવા પડે ઍમ નથી.
દર વર્ષે ૧૫મી ઓગસ્ટ આવે ઍટલે દેશમાં દેશભક્તિનું માહોલ જામે, તેમાં પણ હવે તિરંગાયાત્રાઓને કારણે ગામેગામ અને મહોલ્લે મોહલ્લે આ વાતાવરણ જામતું જોવા મળે છે. દરેકને તિરંગાનું ગૌરવ હોય છે. સરહદ પર સૈનિકો ઍના માટે બલિદાન આપે છે અને રમતના મેદાનમાં ખેલાડીઓ પણ ઍડીચોટીનું જોર લગાડી ઍની આન અને શાન વધારવા મહેનત કરે છે. દેશનો સરેરાશ નાગરિક પણ પોતાના અસ્તિત્વ અને વજુદને પણ પડખે મૂકી પોતાનાથી બનતો ફાળો આપે છે. પરંતુ આઝાદી દિને હવે ઍક વાત સતત પજવે છે કે, આખરે મોટાભાગના ભ્રષ્ટ રાજકારણીઓ અને વહીવટકર્તા, સમાજમાં ઉજળા થઈ ફરતાં કહેવાતા અગ્રણીઓ અને સેવાભાવીઓ, સંતો વગેરે રાષ્ટ્રીય પર્વ પ્રસંગે કાર્યક્રમોની શોભા વધારવા ઉતરી આવતા હોય છે અને લાંબીલચાક સુંફિયાણી સલાહો આપતાં હોય છે. જા કે, તેમના આચાર અને વિચારમાં આસમાન અને જમીન વચ્ચે હોય ઍના કરતાં પણ વધારે અંતર અને વિરોધાભાસ સ્પષ્ટ જોવા મળતાં હોય છે. છતાં સાવ બેશરમી અને નફફટાઈથી ઍમને ઉપદેશો ભચડવામાં કોઈ સંકોચ થતો જ નથી. કદાચ સાંભળનારને જરૂર થતો હશે.
બૃહદ સ્તરે સમાજે પણ ઍ વિચારવું જોઈઍ કે, રાષ્ટ્રીય ગૌરવને વધારે અને ઉજાગર કરે ઍવા રીયલ હીરો સમાજમાં કયા છે ? આ તો ખોટા ભગવાનોની પૂજા થઈ રહી છે. અખબારીયાદીઓમાં વાંચવા મળે કે ફલાણાફલાણાનાં વરદ હસ્તે ધ્વજવંદન કરાશે. ત્યારે ઍ વિચારવું જોઈઍ કે, ઍ માની લીધેલા વરદહસ્તો ક્યાંક ભ્રષ્ટાચાર, લાંચ રુશ્વત, અનિતી, કપટ, દગાખોરી, દંભ, સગાંવાદ, કોમવાદ, જાતિવાદ, વંશવાદ વગેરે જેવા દુષણોથી ખરડાયેલાં તો નથી ને ? અલબત્ત, આજે સ્થિતિ ઍવી છે કે, ઍ વિચારીને પણ છેવાડેનો માનવી તો કશું જ કરી શકે નહીં ઍટલો લાચાર છે. પરંતુ કમ સે કમ ઍ રીતે ઍની રાષ્ટ્રીય ચેતના અને અંતરઆત્માની જ્યોત તો જલતી રહી શકે. આપણે આઝાદીની શતાબ્દીની ઉજવણીથી હવે બે દાયકા દૂર રહ્ના છીઍ ત્યારે ઍટલા ટૂંકા ગાળામાં પણ ઍ જ્યોત, મશાલ બની પ્રજવળતી થાય, ઍનો ઉજાશ વિશ્વભરમાં ઝળહળી ઊઠે ઍવી આશા સાથે સ્વતંત્ર સંગ્રામના તમામ નામી - અનામી શહીદોને, સ્વાતંત્ર વીરોને કોટીકોટી વંદન સાથે દમણગંગા ટાઈમ્સના તમામ વાચકો અને દેશવાસીઓને આજના સ્વાતંત્ર દિનની શુભકામના. જય હિંદ....
