Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપીની આર.કે. દેસાઈ કોલેજ દ્વારા પૂરગ્રસ્તોને રાહત કીટ વિતરણ કરાઇ

વાપીની આર.કે. દેસાઈ કોલેજ દ્વારા પૂરગ્રસ્તોને રાહત કીટ વિતરણ કરાઇ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વલસાડ જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા ભારેથી અતિભારે વરસાદના કારણે અંતરિયાળ તથા નદીકાંઠાના વિસ્તારોમાં સર્વત્ર હાહાકાર મચી ગયો હતો. અચાનક આડેધડ આવેલા પાણીઍ અનેક આદિવાસી પરિવારોના હસતા-ખેલતા સંસારને પળભરમાં વેરવિખેર કરી નાખ્યો હતો. વર્ષોની મહેનતથી ઊભી કરેલી ઘરવખરી, અનાજની ઍક-ઍક કણ અને માસૂમ બાળકોના પુસ્તકો નજર સમક્ષ પાણીમાં તણાઈ જતાં અનેક પરિવારો ખુલ્લા આકાશે નિરાધાર બનીને બેસી ગયા હતાં.
આવા અત્યંત કપરા, પીડાદાયક અને હૃદયદ્રાવક સમયમાં, પીડિતોની મૌન વેદનાને ઓળખીને આર.કે. દેસાઈ કોલેજ ઓફ ઍજ્યુકેશન, વાપીના સંવેદનશીલ અધ્યાપકો તેમની મદદે દોડી આવ્યા હતાં. પૂરગ્રસ્તોના આંસુ લૂછવા અને તેમના ભાંગી ગયેલા મનોબળને મજબૂત કરવા બી.ઍડ. કોલેજના અધ્યાપકો દ્વારા ઍક વિશેષ માનવતાવાદી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કરુણાભર્યા સેવાકાર્ય અંતર્ગત ડૉ. વિમુખ પટેલ, ડૉ. વૈશાલી દેસાઈ, ડૉ. સારિકા પટેલ, પ્રા. પિયુષ પટેલ અને ડૉ. જયંતીલાલ બારીસ પોતાની ટીમ સાથે વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના સુખાલાઅને ધોધડકુવા ગામના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પહોંચ્યા હતાં. ત્યાં તેમણે પૂરથી સર્વસ્વ ગુમાવી ચૂકેલા પરિવારોને રૂબરૂ મળીને માત્ર સાંત્વના જ ન આપી, પરંતુ તેમને ઉપયોગી રાહત અનાજ કીટ તથા શૈક્ષણિક કીટનું વિતરણ પણ કર્યું હતું.