Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ઉમરગામ તાલુકાના મુખ્ય માર્ગો પર ઢોરોનો જમાવડો ઃ અકસ્માતનો ભય

ઉમરગામ તાલુકાના મુખ્ય માર્ગો પર ઢોરોનો જમાવડો ઃ અકસ્માતનો ભય


ઉમરગામ, તા.૧૩ ઃ ચોમાસાની શરૂઆત સાથે ઉમરગામ તાલુકાના વિવિધ મુખ્ય માર્ગો પર રખડતા ઢોરના જમાવડાની સમસ્યા ગંભીર બની છે. માર્ગો પર અચાનક બેસી જતા કે ફરતા ઢોરને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ સતત વધી રહ્નાં છે. દર વર્ષે રખડતા ઢોરના કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા હોવાની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ઉમરગામ તાલુકાના કોસ્ટલ હાઇવે, સંજાણ મુખ્ય માર્ગ, મોહન ગામથી દમણ તરફ જતો માર્ગ તેમજ ભીલાડ મુખ્ય માર્ગ સહિતના રસ્તાઓ પર ઢોરોના જમાવડાના કારણે વાહન વ્યવહારને અસર થઈ રહી છે. ખાસ કરીને મુખ્ય માર્ગો પર ઢોરના ટોળાં અડિંગો જમાવતા હોવાથી વાહનચાલકોને અચાનક બ્રેક મારવી કે વાહન વાળવાની ફરજ પડે છે, જેના કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે. રાત્રિના સમયે માર્ગ પર બેઠેલા ઢોર અંધારામાં વાહનચાલકોને સરળતાથી દેખાતા નથી. જેના કારણે વાહન અને ઢોર વચ્ચે અથડામણ થવાના અનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે. આવી ઘટનાઓમાં વાહનચાલકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે.
સ્થાનિક ગ્રામજનો દ્વારા ઢોરોના જમાવડાની સમસ્યાના કાયમી ઉકેલ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને તે પહેલાં જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મુખ્ય માર્ગો પરથી રખડતા ઢોરને દૂર કરવા તેમજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી છે.