વાપીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી ગટરો જામ થાય છે
- byDamanganga Times
- 12 August, 2026
વાપી, તારીખ ૧૧
વાપી શહેરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ હજુ પણ બેફામ રીતે થઈ રહ્ના હોવાના કારણે ચોમાસા દરમિયાન ગટરજામ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા છે. શાકભાજી માર્કેટ, વિવિધ દુકાનો તેમજ વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવેલા ખાણીપીણીના સ્ટોલોમાંથી ગ્રાહકોને ખુલ્લેઆમ પ્લાસ્ટિકની ઝભલા થેલીઓ આપવામાં આવી રહી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્ના છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગને નિયંત્રિત કરવા માટેના નિયમો અમલમાં હોવા છતાં વાપી પંથકમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ સામે પૂરતી કાર્યવાહી થતી ન હોવાની ચર્ચા છે. ખાસ કરીને શાકભાજી માર્કેટમાં ખરીદી કરવા આવતા લોકોને પ્લાસ્ટિકની થેલીઓ આપવામાં આવે છે. આ ઉપરાંત શહેરની અનેક દુકાનોમાં પણ આવી થેલીઓનો ઉપયોગ થતો જોવા મળે છે.
ઉપયોગ બાદ આ પ્લાસ્ટિકની થેલીઓ રસ્તાઓ, ગટર અને ખુલ્લી જગ્યાઓ પર ફેંકી દેવામાં આવે છે. વરસાદ પડતા આ પ્લાસ્ટિક નો કચરો વરસાદી પાણી સાથે મહાનગરપાલિકાની તેમજ સોસાયટીની અને રેલવેની ગટરમાં પહોંચતા ગટર લાઈન જામ થવાની સમસ્યા ઊભી થઈ રહી છે. પરિણામે અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થઈ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ રહી છે.
તેવી જ રીતે વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવેલા ખાણીપીણીના સ્ટોલોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો વચ્ચે સંબંધિત તંત્ર દ્વારા તપાસ જરૂરી બની છે.
વાપી શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યાને જોતા વાપી મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ સામે તાત્કાલિક તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. સાથે જ પડ્ઢિમ રેલવે, મુંબઈના સંબંધિત અધિકારીઓ દ્વારા પણ વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવેલા સ્ટોલોની તપાસ કરવામાં આવે તો પ્લાસ્ટિકના બેફામ ઉપયોગ પર નિયંત્રણ લાવી શકાય તેમ છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર અસરકારક નિયંત્રણ સાથે નિયમિત ચેકિંગ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તો પ્લાસ્ટિક કચરાને કારણે ગટર ચોક થવાના બનાવોમાં ઘટાડો થઈ શકે અને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા હળવી થવાની શક્યતા છે.
