વાપીના વિકાસ માટે સંયુક્ત બેઠક યોજાશે
- byDamanganga Times
- 12 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી શહેરી વિકાસ સત્તામંડળની વિકાસ યોજના તૈયાર કરવાની પ્રક્રિયા અંતર્ગત વિવિધ સરકારી અને બિનસરકારી હિતધારકોના સૂચનો અને અભિપ્રાયો મેળવવા માટે આગામી ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બપોરે ૧૨ કલાકે વાપીના રોફેલ કોલેજ, નામધા કેમ્પસ પાસે આવેલા પદ્મભૂષણ રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ હોલ ખાતે સંયુક્ત બેઠક યોજાશે. ગુજરાત સરકાર દ્વારા તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ના જાહેરનામા અંતર્ગત વાપી નગરપાલિકા વિસ્તાર ઉપરાંત વાપી તાલુકાની ૧૧ ગ્રામ પંચાયતો—બલીઠા, સલવાવ, છીરી, છરવાળા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા તથા તરક-પારડી વિસ્તારને આવરી લઈ વાપીને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના જાહેરનામા અંતર્ગત વાપી શહેરી વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવી છે. આ સત્તામંડળમાં વાપી મહાનગરપાલિકા વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ વાપી મહાનગરપાલિકા દ્વારા નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ હેઠળના નિયમો મુજબ સ્શ્ઝ઼ખ્ માટે વિકાસ યોજના તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વાપી શહેરી વિકાસ સત્તામંડળ અને વલસાડ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં નગરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને લોકો તથા હિતધારકોના અભિપ્રાયો મેળવવામાં આવશે.
