દમણથી પરત ફરતા કામદારોને ગુજરાત બોર્ડર પર દંડ અને કેસની કાર્યવાહી!
- byDamanganga Times
- 12 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ દમણના કચ્છી ગામ, સોમનાથ અને ડાભેલ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી વાપી સહિત આસપાસના વિસ્તારોમાં રહેતા ઍવા પરત ફરતા કામદારોને ગુજરાત બોર્ડર પર તૈનાત પોલીસની કાર્યવાહીથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
સ્થાનિક કામદારોના જણાવ્યા મુજબ, ગુજરાત બોર્ડર પર પોલીસ દ્વારા ડ્રિંક ઍન્ડ ડ્રાઈવની કાર્યવાહી કરવામાં આવે છે. તે ખૂબ જ સારી કામગીરી ગુજરાત પોલીસની છે. પરંતુ આ ઉપરાંત રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને સાયકલ સવારોને પણ રોકી તેમની સામે કેસ તથા દંડની કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્ના છે. જેના કારણે રોજિંદી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા કામદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ખાસ કરીને દમણની ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ઉત્તર ભારતીય મહારાષ્ટ્રીયન તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાન ના રહેવાસીઓ અને ખાસ કરીને હેલ્પર તેમજ મશીન ઉપર કામ કરતા કામદારો ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકો, જે ચાલીઓ તથા શ્રમિક વિસ્તારોમાં રહે છે, તેઓને કચ્છી ગામ ચેકપોસ્ટ ડાભેલ ચેકપોસ્ટ બલીઠા ચેકપોસ્ટ પર વધુ પરેશાનીનો સામનો કરવો પડતો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્ના છે.
કામદારોનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિ ખરેખર દારૂના નશામાં વાહન ચલાવતી હોય તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈઍ, પરંતુ નિર્દોષ રાહદારીઓ અને ધરમપુર કપરાડા વિસ્તારમાંથી કડિયા કામ તેમજ હેલ્પરનું કામ કરવા આવતા અને પોતાની મોટરસાયકલ ઉપર કામ કરી પરત ફરતા મજૂરો જેવો ખાસ કરીને ત્રિપલ સવારી હોય છે તેવાને ગાડીના કાગળ અને હેલ્મેટ તેમજ કાયદાનું પાલન ન કર્યું હોવાનું જણાવીને સાયકલ સવારોને રોકી દંડ અથવા કેસ કરવાની કાર્યવાહી યોગ્ય નથી. આ અંગે ગુજરાત પોલીસ વિભાગના જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ તેમજ જવાબદાર પોલીસ અધિકારીઓ દ્વારા ચેકપોસ્ટ પર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરકાયદેસર કે નિયમવિરુદ્ધ હેરાનગતિ થતી હોય તો તેને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિક શ્રમજીવી પરિવારોનું કહેવું છે કે, તેઓ રોજગારી માટે દમણમાં આવેલા ઉદ્યોગોમાં તેમજ બાંધકામ ક્ષેત્રની ચાલતી કામગીરી ના સ્થળે કામ કરવા જાય છે અને સાંજે પરત ફરતી વખતે બોર્ડર પરની કાર્યવાહીથી માનસિક તેમજ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવાની સાથે સામાન્ય અને નિર્દોષ નાગરિકોને બિનજરૂરી હેરાનગતિ ન થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.
