વાપીમાં રેલ્વે ઓવરબ્રિજના કામ વચ્ચે કંચનનગર માર્ગ પર ભારે ટ્રાફિક
- byDamanganga Times
- 10 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રત્નિધિ)
વાપી, તા.૦૯ ઃ વાપી મહાનગરપાલિકા માં આવતા ગીતા નગરથી ઇમરાન નગરને જોડતા માર્ગ ઉપર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્નાં હોવાથી મહાત્મા ગાંધી સર્કલથી ઇમરાન નગર સુધીનો માર્ગ વાહન વ્યવહાર તેમજ રાહદારીઓ માટે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જેના પગલે ગીતા નગરથી સેલવાસ રોડ તરફ જવા-આવવા માટે ગીતાનગર પ્રાથમિક શાળાથી ઇમરાન નગર મસ્જિદ સુધી સેલવાસ રોડને જોડતો કંચન નગરનો માર્ગ હાલમાં ઍકમાત્ર વિકલ્પ બન્યો છે. આ માર્ગ ઉપર દરરોજ મોટી સંખ્યામાં બાઈકકાર તેમજ અન્ય વાહનોની અવરજવર થઈ રહી છે. જોકે, કંચન નગર માર્ગ ઉપર પહેલેથી જ કાયમી ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. માર્ગની બંને બાજુ થયેલા ગેરકાયદે દબાણો તેમજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોના કારણે રસ્તો સાંકડો બની ગયો છે. પરિણામે વાહનોની વધેલી અવરજવર વચ્ચે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની રહી છે.
અગાઉ વર્ષ ૨૦૨૪માં વાપી નગરપાલિકા હતી તે દરમિયાન અહીં આ માર્ગને પહોળો કરવા માટે માર્ગની બંને બાજુ સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા ર્માકિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ર્માકિંગ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી દબાણો દૂર કરી માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી.
હાલમાં રેલવે ઓવરબ્રિજના કામને કારણે મુખ્ય માર્ગ બંધ હોવાથી કંચન નગર માર્ગ ઉપર વાહનોનો ભાર અનેકગણો વધ્યો છે. જેના કારણે વાપી જીઆઇડીસીની કંપનીઓમાં કામકાજ અર્થે આવતા-જતા લોકો તેમજ પૂર્વ અને પડ્ઢિમ વિસ્તારો વચ્ચે અવરજવર કરતા વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ અને કંટાળાજનક બની રહ્નાં છે.
આ માર્ગ ઉપરથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો અને સ્થાનિક સ્તરે ઍવી માંગ ઉઠી રહી છે કે, વાપી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કંચન નગર માર્ગ ઉપર થયેલા દબાણો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે. જો સમયસર દબાણો દૂર કરી માર્ગ પહોળો કરવામાં આવે તો હાલની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળી શકે તેમ છે.
